બૂટલેગર:ધામદોડ ગામમાં જમીનમાં અંડરગ્રાઉન્ડ ટેન્કમાં દારૂ છુપાવ્યો, પોલીસે ૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૯ને વોન્ટેડ જાહેર કર્યા

સુરત,સુરત જિલ્લાના ધામદોડ ગામની સીમમાં આવેલા ભગવતી ડેરી ફાર્મની પાછળ અવાવરૂ જગ્યામાં અંડરગ્રાઉન્ડ ટેંકમાં છુપાવેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા ૨૦.૮૮ લાખની મત્તા જપ્ત કરી હતી તેમજ આ ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો મગાવનાર એક અને દારૂનો જથ્થો લેનાર ૮ લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધીને લઈને કડક કાયદો પણ અમલમાં છે, એમ છતાં બૂટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. કોસંબા પોલીસે આવા જ એક બૂટલેગરના મનસૂબાનો પર્દાફાશ કર્યો હતો. કોસંબા પોલીસને માહિતી મળી હતી કે અમદાવાદથી સુરત જતા રોડની ડાબી સાઈડે આવેલી ભગવતી દેરી ફાર્મની બાજુમાં આવેલી ખુલ્લી બાવળોવાળી જગ્યામાં કીમ ગામના રહેવાસી દિવ્યેશ હરેશભાઈ કાલસરિયાએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. એક્સયુવી ગાડીમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો ભરૂચ જિલ્લાના બૂટલેગરોને આપવાનો છે. આ માહિતીના આધાર પોલીસે અલગ-અલગ ટીમ બનાવી અહીં દરોડો પાડ્યો હતો.

પોલીસે અહીં દરોડો પાડ્યો ત્યારે પોલીસથી બચવા બૂટલેગર દ્વારા અદભુત કરામત કરવામાં આવી હતી. પોલીસે મળેલી માહિતીની જગ્યાએ તપાસ કરી હતી. આ દરમિયાન દારૂના જથ્થાને પોલીસથી બચાવવા માટે બૂટલેગર દ્વારા એને જમીનમાં સંતાડી દેવામાં આવ્યો હતો. જોકે પોલીસે ખેતરમાં જમીન ખોદીને સંતાડવામાં આવેલા અંડરગ્રાઉન્ડ ટેક્ધને શોધી કાઢી હતી. એમાં તપાસ કરતાં પોલીસને લાખોનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો.

પોલીસે અહીં દરોડો પાડી ઘટનાસ્થળથી રૂ.૫ લાખની કિંમતની એક્સયુવી ગાડી તેમજ રૂ.૧૫.૮૮ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂ.૨૦.૮૮ લાખની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો મગાવનાર દિવ્યેશ હરેશભાઈ કાલરિયા તેમજ દારૂનો જથ્થો લેનાર ભરૂચ જિલ્લાના કિશન મનાભાઇ વસાવા, રોહિત મનાભાઈ વસાવા, ધ્રુવકુમાર નિલેશભાઈ પટેલ, હરેશ પ્રભુભાઈ વસાવા, વિજય દલપતભાઈ વસાવા, કિશન અશોકભાઈ ચૂડાસમા, ચંદ્રેશ ઉર્ફે ચંદ્રો કરસનભાઈ વસાવા મળી કુલ ૯ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે કોસંબા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.