દેવકાર્ય સાથે દેશકાર્ય પણ તેજ ગતિથી આગળ વધી રહ્યાં છે: ભારતની વિકાસયાત્રાનો વર્તમાન કાલખંડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મહેસાણા, મહેસાણાના શિવધામ શ્રી વાળીનાથ અખાડા તરભ ખાતે નૂતન ભવ્ય મંદિરમાં મહાશિવલિંગની સ્થાપના અને સુવર્ણશિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દર્શન-પૂજન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩,૬૦૧ કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે, ભારતની વિકાસયાત્રાનો વર્તમાન કાલખંડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે. જય વાળીનાથ કહીંને હિંગળાજ માતાજી અને ભગવાન શ્રી દત્તાત્રેયની જય બોલાવીને વડાપ્રધાને વતનવાસીઓને કેમ છો? પૂછ્યું હતું. આજે વાળીનાથે વટ પાડી દીધો હો કહીંને તેમણે જણાવ્યું કે, પહેલાં પણ અનેકવાર વાળીનાથ આવ્યો છું, પણ આજે તો રોનક જ કંઈક ઓર છે. દુનિયામાં ગમે તેટલા સ્વાગત થતા હોય સન્માન થતા હોય પણ ઘરે જ્યારે થાયને ત્યારે આનંદ ઓર હોય છે. મોસાળમાં આવીએ ત્યારે આનંદ પણ અનેરો હોય.

આ પ્રોજેક્ટ રેલ, રોડ, પોર્ટ, ટ્રાન્સપોર્ટ, પાણી, રાષ્ટ્રીય સુરક્ષા, શહેરીવિકાસ, ટુરિઝમ જેવા અનેક મહત્ત્વપૂર્ણ કામોથી જોડાયેલા છે. એનાથી લોકોનું જીવન સરળ બનશે અને આ ક્ષેત્રના યુવાનોને રોજગાર અને સ્વરોજગારની નવી તકો મળશે. તેમણે કહ્યું કે, આપણાં આ મંદિર માત્ર દેવાલય નથી, ફક્ત પૂજાપાઠ કરવાનાં સ્થળ નથી, પણ એ આપણી હજારો વર્ષ પૂરાણી સંસ્કૃતિ-પરંપરાનાં પ્રતિક છે. આપણા ત્યાં મંદિર જ્ઞાન અને વિજ્ઞાનનાં કેન્દ્ર રહ્યાં છે. દેશ અને સમાજને અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જવાનાં માધ્યમ રહ્યાં છે. શિવધામ શ્રી વાળીનાથ અખાડાએ તો શિક્ષા અને સમાજસુધારની આ પવિત્ર પરંપરાને પૂરી નિષ્ઠાથી આગળ વધારી છે. મને યાદ છે પૂજ્ય બળદેવગીરી મહારાજ સાથે જ્યારે પણ વાત કરતો હતો, ત્યારે આધ્યાત્મિક કે મંદિરની વાતોથી વધુ તે સમાજના દીકરા-દીકરીઓના શિક્ષણની ચર્ચા કરતા હતા. આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલા સેંકડો વિદ્યાર્થીઓને રહેવા ખાવા અને લાયબ્રેરીની સુવિધા અપાઈ રહી છે. દેવકાજ અને દેશકાજનું આનાથી મોટું ઉદાહરણ બીજું કયું હોઈ શકે. આવી પરંપરાને આગળ વધારવા બદલ રબારી સમાજ પ્રસંશાને પાત્ર છે.

વડાપ્રધાને કહ્યું કે, હું આ પવિત્ર ધરતી પર એક દિવ્ય ઉર્જા મહેસુસ કરી રહ્યો છું. આ ઊર્જા હજારો વર્ષથી ચાલી આવેલી એ આધ્યાત્મિક ચેતનાથી અમને જોડે છે. જેનો સંબંધ ભગવાન કૃષ્ણથી છે અને મહાદેવજીથી પણ છે. આ ઊર્જા અમને એ યાત્રાથી પણ જોડે છે, જે પહેલા ગાદીપદી મહંત વિરમગીરી બાપુએ શરૂ કરી હતી, હું ગાદીપતિ પૂજ્ય જયરામગીરી બાપુને પણ આદરપૂર્વક પ્રણામ કરું છું, જેમણે ગાદીપતિ મહંત બળદેવગીરી બાપુના સંકલ્પને આગળ વધાર્યો અને એને સિદ્ધિ સુધી પહોંચાડ્યો. બળદેવગીરી બાપુ સાથે મારો લગભગ ત્રણ ચાર દાયકાથી ખુબ ગાઢ સંબંધ રહ્યો છે. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે ઘણીવાર મારા નિવાસસ્થાન પર એમના સ્વાગતનો અવસર મળ્યો, લાંબો સમય આધ્યાત્મિક ચેતના જગાવતા રહ્યા અને ૨૦૨૧માં આપણા બધાને છોડીને જતા રહ્યા ત્યારે પણ મે ફોન કરીને મારી ભાવનાઓ પ્રગટ કરી હતી. પરંતુ આજે એમના સપનાને સિદ્ધ થતું જોઈ રહ્યો છું ત્યારે મારી આત્મા કહે છે કે આજે એ જ્યાં હશે આ સિદ્ધિને જોઈને પ્રસન્ન થઈ રહ્યા હશે. નરેન્દ્રભાઈની વિકાસની આ ગેરંટીને જનતાજનાર્દન હૃદયથી આશીર્વાદ આપતી રહેશે તેવો મને વિશ્વાસ છે. આપણે સૌ સાથે મળીને નરેન્દ્રભાઈની પ્રેરણાથી વિક્સીત ભારત ૨૦૪૭ના નિર્માણમાં વિક્સીત ગુજરાત બનાવીને સહયોગ આપીશું તેવી ખાતરી વડાપ્રધાનને આપું છું.

વડાપ્રધાને જણાવ્યું કે, આજે દેશના દશ કરોડ નવા પરિવારોને નળ સે જલ મળવાનું શરૂ થયું છે. એ ગરીબ પરિવારો માટે કોઈ અમૃતથી કમ નથી, જેમને પહેલાં પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. આપણા ઉત્તર ગુજરાતવાળાઓને ખબર છે કે પાણી માટે કેટલી તકલીફો પડતી હતી, બે-ત્રણ કિલોમીટર માથે બેડાં લઈને જવું પડતું હતું. અને મને યાદ છે, વડાપ્રધાને સંયોગની વાત કરતાં કહ્યું કે, આજથી ઠીક એક મહિના પહેલાં ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ રામના ચરણોમાં હતો, ત્યાં મને પ્રભુ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક આયોજનમાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું એના પછી ૧૪ ફેબ્રુઆરીએ વસંતપંચમીએ અબુધાબીમાં ખાડી દેશોના પ્રથમ હિન્દુ મંદિરના લોકાર્પણનો અવસર મળ્યો અને બે-ત્રણ દિવસ પહેલાં જ મને યુપીના સંબલમાં કલકીધામના શિલાન્યાસની પણ તક મળી. અને આજે મને અહીં તરભમાં આ ભવ્ય દિવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ પૂજા કરવાનું સમારોહમાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.