
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને વિકસિત ભારતના સપના દેખાડી રહી છે. રાજ્ય સરકાર ગામડાના વિકાસ માટે કરોડોના કામોને મંજૂર કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારોને રોજીરોટી માટે હિજરત ના કરવી પડે તે માટે મનરેગા હેઠળ કરોડોના વિકાસના કામો થઇ રહ્યા છે. એટલું જ નહીં સરકારે મનરેગાના કામો માટે એક અલગ વિભાગ ઉભો કરી ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા સહિતની સુવિધા માટે કરોડોની ગ્રાન્ટ ફાળવી છે. જો કે મનરેગામાં કરોડોના કૌભાંડ થતા હોવાના અનેક કિસ્સા સરકારના ચોપડે સાબિત પણ થયેલા છે અને મનરેગાનું કૌભાંડ આચરનારાને જેલને હવાલે પણ કરવામાં આવ્યા છે.

ત્યારે ગત વિધાનસભાની ચૂંટણી પહેલા દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં ભાજપાના એક આગેવાન દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લેખિત અને મૌખિક રજૂઆતો ખુદ ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. જો કે નાણાંના જોરે સમગ્ર પ્રકરણ ઉપર પડદો પાડી દેવામાં આવ્યો હતો. મનરેગામાં જાણે માસ્ટરી મેળવી લીધી હોય તેમ આ કૌભાંડની ફાઇલોને કચરા પેટીમાં નાંખી દેવામાં આવી હોવાના કારણે દાહોદ જિલ્લાના ભાજપાના આ નેતાને મોકળું મેદાન મળી ગયું હોય તેમ તેમના બન્ને સંતાનો દ્વારા ચલાવવામાં આવતી એજન્સીઓ દ્વારા ફરી ધોળા દિવસે ઉઘાડી લૂંટનો સિલસિલો શરૂ કરી દીધો. સરકારમાં વજનદાર હોદ્દો મળી ગયો હોવાના કારણે સરકારી તંત્રનો પણ તેમને પુરતો સાથ અને સહકાર મળી ગયો. જેના કારણે સરકારી તંત્રમાં આ કંપનીના નામના બીલ આવે તો જ તેને મંજૂરી આપી નાણાં ચુકવવા તેવો વણલખેલો ઠરાવ કરી દેવામાં આવ્યો. જેના કારણે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના અનેક ગામોના વિકાસના નામે મનરેગા હેઠળ આરસીસી રોડ મંજૂર કરવાનો સિલસિલો શરૂ થયો.

ગામનો ઘેરાવો માંડ એક કિલોમીટરનો હોય પરંતુ ગામમાં 17 કિલોમીટરના આરસીસી રસ્તા બનાવવાના ઠરાવ કરી મંજુરીની મહોર મારવામાં આવી. મનરેગાના પ્રોગ્રામ ઓફીસરે પણ રાજકીય આગેવાનના સંતાનોની સાથે મળી જઇ અને એજન્સીના કામો અને બિલો મંજૂર કરવાનો સિલસિલો શરૂ થઇ ગયો. કરોડોના કામો મંજૂર થયા અને એજન્સીના બિલો પણ ફટાફટ મંજૂર થવા માંડ્યા. પરંતુ ગામોમાં આવા કોઇ વિકાસના કામો થયા નહીં અને જ્યાં કામો થયા ત્યાં ગુણવત્તા વગરના કામો થયા. જેના કારણે ના તો ગામનો વિકાસ થયો અને ના તો ગ્રામજનોને તેની સુવિધાનો લાભ મળ્યો. વિકાસ થયો માત્ર સરકારી તંત્રમાં ફરજ બજાવતા દિલીપ જેવા વ્યક્તિઓનો અને ભાજપાના મોટા માથાના બે માલેતુજાર સંતાનોનો. આંતરીક અને છેવાડાના ગામોમાં રહેતા લોકો સુવિધાથી વંચિત રહ્યા. જો કે કેટલાકે તેની સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો તેમને સત્તા અને પૈસાના જોરે દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
કરોડોનું આ કૌભાંડ આચરવા પાછળની મોડસ ઓપરેન્ડી પણ જાણવા જેવી છે. જેટલા વિસ્તારમાં આરસીસીનો રોડ બનાવવાનો હોય તેના માટે કેટલા સળિયા, કેટલો સિમેન્ટ, કેટલી રેતી વાપરવી તે સ્પેશિફિકેશન પ્રમાણે નક્કી કરવામાં આવે છે. આ તમામ વસ્તુ નેતાના સંતાનોની એજન્સીમાંથી ખરીદવાની પરંતુ વસ્તુ મળે કેટલી, 10 થેલી સિમેન્ટની જરૂરિયાત દર્શાવી હોય તો મળે માત્ર ત્રણ કે પાંચ, સળિયા પણ એ જ પ્રમાણે અને બીલ બને વર્કઓર્ડરના આધારે આ બીલ પણ નેતાના સંતાનોની એજન્સીનું અને તે જ કચેરીમાં સબમીટ કરવામાં આવે તો જ તેનું ચુકવણું કરવામાં આવે. સરકારની આંખમાં ધોળા દિવસે ધૂળ નાંખી કરોડોનો વહીવટ કરવાના આ કૌભાંડની બુમો ઉઠવા માંડી, કેટલાકે સોગંદનામા કર્યા, કેટલાકે અરજીઓ કરી અને મામલો વિપક્ષ સુધી પહોંચી ગયો. વિપક્ષ દ્વારા એક કમિટી બનાવી સ્થળની તપાસ કરવામાં આવી. જો કે તેમાં નિમાયેલા કેટલાક તો પાછા ભાજપાના આગેવાનના મિત્રના પાછલા બારણાના મિત્રો હતા. તેમ છતાં ભાજપાના આગેવાન સામે રિપોર્ટ તૈયાર કરી મોકલવામાં આવ્યો,
બીજી તરફ સરકારી તંત્ર દ્વારા પોતાના હાથ ચોખ્ખા છે તેવું સાબિત કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ટીમ દ્વારા સ્થળ તપાસ કરી તેનો અહેવાલ પણ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. જો કે જે કૌભાંડમાં સરકારી તંત્રની મિલીભગત હોય તે પોતાને અને સરકારમાં બેઠેલા મોટા માથાને સાચવે તો ખરા જ તેમાં શંકા સેવી શકાય નહીં. જો કે આ મામલાએ તુલ પકડી છે અને વિધાનસભામાં તેની ગુંજ સાંભળવા મળી છે. સરકાર ઉપર તેના છાંટા ઉડે તેમ છે. ભાજપાના આ વિવાદીત નેતાની વર્તણૂંક અને વ્યવહારથી જિલ્લાના આગેવાનો સારી રીતે પરિચિત છે. જિલ્લાવાસીઓ સાથે પણ અવારનવાર વિવાદમાં ઉતરેલા આ નેતા સામે હવે પગલાં ભરવામાં આવી રહ્યા હોવાની વાતો જોરશોરથી ચર્ચાવા માંડી છે.