મુંબઇ,
એક તરફ મુકેશ અંબાણી એક પછી એક સફળતાના શિખરો ચડતા જઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ તેમના નાના ભાઈ અનિલ અંબાણીને એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની ઘણી કંપનીઓ બંધ કરી દેવી પડી છે અથવા તો ઈનસોલ્વન્સી પ્રક્રિયામાં છે. ત્યારે ભારે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીમાટે એક સારા સમાચાર છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એ રિલાયન્સ જિયો ને અનિલ અંબાણીની કંપની ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. રિલાયન્સ જિયોની સહયોગી કંપની રિલાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સવસીઝએ રિલાયન્સ ઈન્ફ્રાટેલને ખરીદવા માટે બોલી લગાવી હતી. આ કંપની પાસે રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ટાવર અને ફાઈબર એસેટ્સ છે. એનસીએલટીએ મુકેશ અંબાણીની કંપની જિયોએ એસબીઆઈના એસ્ક્રો અકાઉન્ટમાં ૩૭૨૦ કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું છે.
આ મહિનાની શરૂઆતમાં જિયોએ રિલાયન્સ ઈન્ફ્રાટેલને ખરીદવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે એનસીએલટીનો દરવાજો ખખડાવ્યો હતો. ૬ નવેમ્બરે જિયોએ આરઆઈટીએલની ખરીદીની પ્રક્રિયા પૂરી કરવા માટે એસ્ક્રો અકાઉન્ટમાં ૩,૭૨૦ કરોડ રૂપિયા જમા કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આરઆઈટીએલ હાલમાં ઈનસોલ્વન્સી રિઝોલ્યુસન પ્રોસેસમાંથી પસાર થઈ રહી છે. આ પહેલા નવેમ્બર, ૨૦૧૯માં જિયોએ આ કંપનીને ખરીદવા માટે ૩૭૨૦ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. કમિટી ઓફ ક્રેડિટર્સએ ૪ માર્ચ, ૨૦૨૦એ જ જિયોના રિઝોલ્યુશનને મંજૂરી આપી દીધી હતી.
આરઆઈટીએલની પાસે ૧.૭૮ લાખ રૂટ કિમીની ફાઈબર એસેટ્સ અને ૪૩,૫૪૦ મોબાઈલ ટાવર છે. તે આરકોમના ટાવર અને ફાઈબર એસેટ્સ માટે હોલ્ડિંગ કંપની છે. કંપનીના ફંડ્સને લઈને બેંકોની વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે. તેમાં એસબીઆઈ ઉપરાંત દોહા બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને એમિરેટ્સ બેંક સામેલ છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. રિઝોલ્યુશન પ્રોફેશનલએ આરઆઈટીએલના ઈનડાયરેક્ટ ક્રેડિટર્સના દાવાને ફાઈનાન્શિયલ ક્રેડિટર્સ તરીકે ક્લાસીફાય કર્યા હતા. દોહા બેંકે આ નિર્ણયને પડકાર્યો હતો.