દેવ દિવાળીના રોજ અંબાજી મંદિર બંધ રહેશે, ચંદ્ર ગ્રહણના કારણે ભક્તો નહીં કરી શકે દર્શન


અંબાજી,
આગામી ૮ નવેમ્બરનાં કારતક સુદ પૂનમનાં દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ છે. આ ચંદ્ર ગ્રહણથી ધામક વિધિને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિરનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ રહેવાનું છે. સવારે ૬.૩૦ કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે ૪.૦૦ કલાકે કરાશે. ત્યારબાદ સવારે ૬.૩૦ કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે અને સવારનાં ૦૬.૩૦ કલાકથી રાત્રીના ૯.૦૦ કલાક સુધી મંદિર સદન્તર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. સાંજનાં ૬.૩૦ ની આરતી રાત્રિના ૯.૩૦ કલાકે થશે. બાદમાં મંદિર મંગળ થશે અને ત્યારબાદ નવ નવેમ્બરથી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે. જોકે ભટ્ટજી મહારાજના જણાવ્યા મુજબ આ કાર્તક સુદ પૂણમા એ દીપદાનનું વિશેષ મહત્વ છે, પણ ચંદ્રગ્રહણ હોવાથી દીપદાન ૬ અને ૭ નવેમ્બરે કરવાથી પિતૃદેવો ખુશ રહે છે.

હિન્દુ પંચાંગ અનુસાર કારતક સુદ પૂણમાને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા એવી છે કે દેવી અને દેવતાઓ આ દિવાળી ઉજવવા માટે ધરતી પર પધારે છે. પણ, આ વખતે દેવ દિવાળી સંબંધી ખાસ વાત એ છે કે, તે જ દિવસે ચંદ્રગ્રહણ પણ લાગી રહ્યું છે. એટલે કે, વર્ષના અત્યંત શુભ દિવસ પર ગ્રહણ સર્જાઈ રહ્યું છે. ગુજરાતી પંચાંગ અનુસાર આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ છે. ધામક માન્યતા એવી છે કે આ દિવસે રાહુ અને કેતુનો પ્રકોપ પૃથ્વી પર વધી જાય છે.
ભારતીય સમયાનુસાર ૮ નવેમ્બરે બપોરે ૦૨:૩૯ કલાકે ગ્રહણનો સ્પર્શ થશે અને સાંજે ૦૬:૧૯ કલાકે તેનો મોક્ષ થશે. જ્યોતિષશા અનુસાર આ ચંદ્ર ગ્રહણ ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં લાગશે. ધર્મ ગ્રંથો અનુસાર, ચંદ્ર ગ્રહણ દરમ્યાન તુલસીના પાનનું સેવન કરવું જોઇએ. તુલસીના પાનને આરોગવું ફાયદાકારક સાબિત થાય છે.