દેવભૂમિ દ્વારકાના લાડવા ગામમાં જમીનની લાલચમાં પિતાની હત્યા કરી

પૈસા, જમીન કે સંપત્તિની ભૂખ લોકોને કઈ હદ સુધી લઈ જાય છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. દેવભૂમિ દ્વારકાના લાડવા ગામમાં જે ઘટના બની તે ચોંકાવનારી છે. લાડવા ગામની સિમમાં જમીનની લાલચમાં એક પુત્રએ પોતાના પિતાની હત્યા કરી છે. આ ઘટનામાં પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા લાડવા ગામની સરહદમાં થયેલ વૃધ પુરૂષની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો છે. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ૪ જુલાઈએ માથાના ભાગે હથિયારના ઘા મારી મોહનભાઈ ભીમાભાઈ સોનગરાની હત્યા કરવામાં આવી હતી. તેમની લાશ મળી આવતા નાના પુત્ર સતીષે પોલીસમાં ફરિયાદ નોંધાવેલી હતી. આ ઘટનામાં તપાસ કરતા સામે આવ્યું કે આ હત્યા મોહનભાઈના મોટા પુત્રએ જ કરી છે. ફરિયાદી નાના પુત્રએ જણાવ્યું કે છેલ્લા ચારેક વર્ષથી અમારો મોટો ભાઈ પરિવારથી અલગ રહે છે.

તે પિતા પાસે વારંવાર જમીનમાં ભાગ પડાવવાની માંગ કરતો હતો. પરંતુ પિતાએ જમીનમાં ભાગ પાડવાની ના પાડી હતી. પોલીસે મૃતકના મોટા પુત્ર રાજેશ સોનગરાની પૂછપરછ કરતા તેણે પિતાની હત્યાની વાત કબૂલી હતી. મૃતક મોહનભાઇ સોનગરાના મોટા દીકરા રાજેશ સોનગરા કે જે આશરે પાંચેક વર્ષથી જીઇબીમાં આસી.ઇલેકટ્રીશિયન તરીકે ફરજ બજાવે છે. જેથી મૃતક પિતાને હેરાન કરવાના આશયથી મરનારના ઘર નજીક જઇ રોડ પરની સ્ટ્રીટ લાઇટ બંધ કટ કરી નાંખતો અને મરનાર ઘર ઉપર પત્થર ફેંક્તો હતો. ત્યારબાદ તેણે છેલ્લા કેટલાક દિવસથી મોઢા પર માસ્ક બાંધી પિતાના ખેતરે રેકી કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ૪ જુલાઈએ મોહનભાઈ સાંજના સમયે પોતાના ખેતરે પહોંચ્યા હતા.

ત્યારબાદ તેનો મોટો પુત્ર પણ ત્યાં પહોંચ્યો હતો. તેણે પહેલા વાડીમાં લાઈટ કાપી નાખી હતી.ત્યારબાદ પિતાના માથામાં લોખંડની હથોડીના ઘા મારી પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પુત્રએ પિતાની હત્યાનો આરોપ પોતા પર ન લાગે તે માટે પણ બધો પ્લાન કરી રાખ્યો હતો. પિતાની હત્યા કરી તે સીધો જામનગર રવાના થયા હતા. કોઈને શંકા ન જાય તે રીતે મોટા પુત્રએ નાટકો શરૂ કર્યાં હતા. પિતાના મોતના સમાચાર મળ્યા બાદ તે પરત ફર્યો હતો. પરંતુ તે સામાન્ય વર્તન કરી રહ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં કડક પૂછપરછ બાદ પુત્રએ પિતાની હત્યાનો ગુનો કબૂલ કરી લીધો હતો.