દ્વારકા,
દેવભૂમિ દ્વારકામાં પોલીસ તથા રેવન્યુ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં કલ્યાણપુરના ગાંધવી વિસ્તારમાં અનઅધિકૃત દબાણ હટાવામાં આવ્યા છે. અહીં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ ઝુંબેશના બીજા દિવસે વધુ ૧૩૭ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ખાલી કરાયો છે. ખુલ્લી કરવામાં આવેલી સરકારી જગ્યાની અંદાજિત કિંમત રૂ. બે કરોડ આંકવામાં આવી રહી છે.
દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તેમજ કલ્યાણપુરના મામલતદાર દક્ષાબેન રીંડાણીની ઉપસ્થિતિમાં સાંજ સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ ૧૩૭ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં ૧૨૧ રહેણાંક તેમજ ૧૬ કૉમર્શિયલ દબાણનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં આશરે ૫.૧૦ લાખ ચોરસ ફુટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ સરકારી જમીનની અંદાજિત બજાર કિંમત ૧.૯૮ કરોડ ગણવામાં આવી છે.
આ કાર્યવાહી વખતે રાજકોટના રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડિમોલિશનની જગ્યા તેમજ તે માટે કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરીને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ઉપરાંત દ્વારકાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બંદોબસ્ત સહિતની જવાબદારી તેમજ વ્યવસ્થા પણ સંભાળી હતી. જેના અનુસંધાને બે દિવસ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
દેવભૂમિ દ્વારકાના મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પછી શનિવાર બપોરથી મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિમોલિશનના પ્રથમ દિવસે રૂપિયા બે કરોડ જેટલી કિંમતના ૩.૭૦ લાખ ચોરસ ફૂટમાંથી કુલ ૧૦૨ દબાણો હટાવાયા હતા. દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા હાર્દિક પ્રજાપતિ, એલસીબી, એસઓજી ઉપરાંત વિશાળ પોલીસ કાફલાની ટીમે ગાંધવી વિસ્તારમાં જેસીબી, હિટાચી સહિતના મશીનો વડે અનઅધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી.
બેટ દ્વારકામાં પાંચ મહિના પૂર્વે કરવામાં આવેલા ડિમોલિશન ઓપરેશન બાદ ફરી તંત્ર દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. ધામક સ્થળ હર્ષદ ગાંધવી ખાતેના દરિયાઈ વિસ્તારમાં બિન સત્તાવાર રીતે જમીન પર દબાણો ઊભા કરનાર લોકોને પહેલા નોટિસ આપવામાં આવી હતી. આ દબાણની કાર્યવાહીને લઈ વિસ્તારમાંથી અનેક લોકો પોતાના બિસ્તરાં-પોટલાં લઈને નીકળી ગયા હતા.
સરકારી અંદાજ મુજબ આશરે સાડા નવ લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં દબાણ હોવાથી આ અંગે ઘણી નોટિસો અપાયા બાદ બે દિવસમાં કુલ આશરે ૯ લાખ ચોરસ ફૂટ બાંધકામ (દબાણ) દૂર કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ જોતા હજુ પણ આ દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રહેશે તેમ અનુમાન લગાવામાં આવી રહ્યું છે.