દેશની વસ્તી વધારાની સમસ્યા પર કામ કરવાની જરૂરઃ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન

સમગ્ર વિશ્વમાં 11મી જુલાઈના રોજ વસ્તીદિનની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી ગઢવીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પંચાયત સુરતના આરોગ્ય સમિતિના ચેરમેન જિનેષ ભાવસારના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ દિપ પ્રાગટય કરીને વિશ્વ વસ્તી દિનના વર્કશોપને ખુલ્લો મુક્યો હતો. ઉજવણી અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એમ.લાખાણીએ પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા વસ્તી નિયંત્રણ અંગેની વિગતો આપી હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન જેનીશ ભાવસારે વસ્તી વધારો દેશના વિકાસમાં અવરોધરૂપ હોવાનું જણાવીને સૌને દેશની વસ્તી વધારાની સમસ્યા ઉપર કામ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, માત્ર એક દિવસ નહી પણ સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત રીતે કુટુંબ કલ્યાણ અંગેના કાર્યક્રમો કરવાની હિમાયત કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા વિશ્વ વસ્તી દિન નિમિત્તે સુત્ર આપવામાં આવ્યું છે કે, આપદામાં પણ કુટુંબ નિયોજનના તૈયારી સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારી તેને સાર્થક કરવા તા.27મી જુનથી તા.10મી જુલાઈ સુધી દંપતિ સંપર્ક પખવાડીયામાં વિવિધ પ્રવૃત્તિ તમામ પ્રા.આ.કેન્દ્રોમાં યોજીને વિશ્વ વસ્તી દિન/પખવાડીયા ઉજવણી-2021 કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફિસરો, તમામ તાલુકાના સુપરવાઝરો, જિલ્લાકક્ષાના ડીયુપીસી નિતિનભાઇ તેમજ ડી.એસ.આઈ. ભગવતી પટેલ તથા ડી.ડી.એમ. જીતુ હજાર રહ્યા હતા. આભારવિધિ ડે.ડી.આઈ.ઈ.સી.ઓ મુકેશ ભટ્ટે આટોપી હતી.