દેશની સંપત્તિ કેમ વેચી નાંખો છો? નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો આ જવાબ

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે દેશનું સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું હતું. કોરોના મહામારી પછી આ પહેલું બજેટ હતું એટલે લોકોને આશંકા હતી કે અપેક્ષા મુજબનું બજેટ નહીં આવે. બજેટ પછી સતા પક્ષ અને વિરોધ પક્ષે પોતપોતાની પ્રતિક્રિયા રજૂ કરીને ફાયદા નુકશાનની વાત કરી. ચેનલો પર પણ બજેટ વિશે ડિબેટ ચાલી હતી. ઇન્ડિયા ટીવી પર આજ કી બાત કાર્યક્રમમાં એંકર રજત શર્માએ નાણામંત્રી નિર્મલા સીતારમણને રાષ્ટ્રીય સંપતિ વેચવા બાબતે સવાલ પુછયો હતો, જેના જવાબમાં નાણા મંત્રીએ કહ્યું હતું કે જયારે સરકાર તેને ચલાવી શકતી નથી તો પછી રાખવાથી શું ફાયદો. નાણા મંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય સંપત્તિમાંથી જયારે કશું મળતું ન હોય ઉપરાંત ખોટમાં ચાલી રહી હોય તો તમે કેટલાં વર્ષોથી સુધી પબ્લિક ટેક્સ પેયરના રૂપિયા કુવામાં નાંખ્યા કરશો.

ઇન્ડિયા ટીવી સાથેની વાતચીતમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રીય સંપત્તિ પર બોલતા વધુમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય સંપત્તિને એક ભારતીય નાગરિક, જોઇન્ટ વેન્ચર કંપની કે ભારત દેશના કોઇ ઓપરેટરને વેચીને તેને ચાલું રાખવામાં અર્થંતંત્રને ફાયદો છે કે પછી એને બંધ કરી દેવામાં અર્થતંત્રને ફાયદો છે? અને જો કોઇ યોગ્ય વ્યકિત તેને પ્રોફેશનલી ચલાવે તો તેમાં ફાયદો છે કે બંધ કરવામાં ફાયદો છે? આ બધી બાબતો વિશે પણ વિચારવું જોઇએ. નાણામંત્રીએ કહ્યું કે એર ઇન્ડિયા તેનું કલાસીક ઉદાહરણ છે.

એંકરે નાણામંત્રીને પુછયું હતું કે ગયા વખતના બજેટમાં પણ તમે એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટની વાત કરી હતી, પણ કશું થયું નહી. તો નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપતા કહ્યું હતું કે હા એ વાત હું માનું છે કે એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટમાં કશું થયું નહીં. પણ તેનું કારણ એવું છે કે જુલાઇ 2019માં જાહેર કરાયેલા બજેટ પછી ધીમે ધીમે અર્થતંત્ર નબળું પડયું હતું. માંગ ઘટી રહી હતી અને નાણાકીય પ્રવાહિતાની પણ અછત હતી. લિકવિડીટી શોર્ટજની સમસ્યા નિવારવામાં અમે ઓકટોબર મહિનામાં જિલ્લા- જિલ્લામાં જઇને બેંક દ્રારા લોન ક્રેડીટ એકસ્ટેન્શન કરવાના અમારા પ્રયાસો કર્યા હતા. એવા સમયે અમારા માટે એરલાઇન જેવી એસ્સેટને વેચવી સરળ નહોતી. નાણામંત્રીએ કહ્યું કે કોઇ કહે કે એરલાઇન વેચીને જેટલા રૂપિયા મળતા હોય તે મેળવી લો, નિરાશામાં આવીને પણ વેચી નાંખો કારણ કે એ ટેક્સ પેયરના રૂપિયા છે. તો આ વાત શકય નથી. સંસદમાં એવું ન કહી શકીએ કે જેટલાં રૂપિયા મળ્યા તે લઇ લીધા.. બજાર સારુ હોય અને સારો ભાવ મળતો હોય ત્યારે વેચીશું.