દેશમાં અનલૉકનું છઠ્ઠું ચરણ શરુ, જાણો શેની-શેની મંજૂરી મળી

કોરોના મહામારી ના કારણે થંભી ગયેલો દેશ હવે ફરીથી પોતાની ઝડપ પકડી રહ્યો છે. દેશમાં અનલૉક 6.0 ની શરૂઆત રવિવારથી થઈ ચૂકી છે. આ અનલૉકની ખાસ વાત એ છે કે રાજધાનીમાં 1 નવેમ્બરથી બસો પૂરી ક્ષમતા સાથે દોડશે અને પશ્ચિમ રેલવે મુંબઈમાં વિશેષ ટ્રેનોની શરૂઆત કરશે. દિલ્હીમાં આજથી ઇન્ટરસ્ટેટ બસોની શરૂઆત થવાની શક્યતા છે. 1 જૂનથી શરૂ થયેલી અનલૉકની પ્રક્રિયા છઠ્ઠા ચરણમાં પહોંચી ગઈ છે અને સરકાર ધીમે-ધીમે નિયમોની સાથે છૂટ આપી રહી છે. આવો જાણીએ અનલૉકના આ ચરણમાં સરકાર કઈ બાબતોની મંજૂરી આપી રહી છે.

પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટે ગિફ્ટ

ફરવાનો શોખ ધરાવતા લોકો માટે અનલૉક 6 મોટી ખુશખબર લઈને આવ્યું છે. મોટી જાહેરાતો ઉપરાંત સરકાર ગોવામાં કસીનો, ઉત્તર પ્રદેશમાં દુધવા ટાઇગર રિઝર્વ હવે પર્યટકો માટે ખોલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આસામના કાજીરંગા નેશનલ પાર્કમાં એલિફન્ટ સવારી ચાલુ રહેશે એન જમ્મુ-કાશ્મીરના વૈષ્ણો દેવી મંદિરમાં શ્રદ્ધાળુઓને મંજૂરી મળશે. અહીં મંદિરમાં પહેલા માત્ર 7 હજાર લોકોને જવાની મંજૂરી હતી. પરંતુ અનલૉક 6.0 બાદ હવે 15 હજાર શ્રદ્ધાળુ રોજ દર્શન કરી શકશે. 

દિલ્હીની બસોમાં ફરીથી શરૂ થશે સફર

શનિવારે દિલ્હીના ટ્રાન્સપોર્ટ મંત્રી કૈલાશ ગહલોતે જણાવ્યું કે, 1 નવેમ્બરથી ડીટીસી બસોમાં મુસાફરો તમામ સીટોનો ઉપયોગ કરી શકશે. ઓર્ડર મુજબ, મુસાફરોને સફર દરમિયાન માસ્ક પહેરવા પડશે અને કોઈ પણ યાત્રીને ડીટીસી અને ક્લસ્ટર સ્કીમ બસોમાં ઊભા રહેવાની મંજૂરી નહીં મળે.

મુંબઈમાં વધુ 610 લોકલ ટ્રેનો, ગોવામાં કસીનો શરૂ

રવિવારથી 314 સેન્ટ્રલ રેલવે અને 296 વેસ્ટર્ન રેલવેની ટ્રેનો શરૂ થઈ રહી છે. કુલ આંકડાના હિસાબથી જોઈએ તો વધુ 610 લોકલ ટ્રેન સેવાઓ ફરીથી શરૂ થઈ રહી છે. સાથોસાથ ગોવામાં રવિવારથી કસીનો 50 ટકા ક્ષમતાની સાથે ફરીથી શરૂ થઈ રહ્યા છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત (CM Pramod Sawant)એ કહ્યું કે આ નિર્ણય રાજ્યમાં પર્યટન વધારવા માટે લેવામાં આવ્યો છે.

દુધવા ટાઇગર રિઝર્વ

ઉત્તર પ્રદેશ સ્થિત દુધવા ટાઇગર રિઝર્વ રવિવારથી શરૂ થઈ રહ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં ફીલ્ડ ડાયરેક્ટર સંજય કુમાર પાઠકે જણાવ્યું કે, 1 નવેમ્બરથી શરૂ થઈ રહેલી આ સીઝનમાં પર્યટકો અને અહીં પહોંચનારા લોકો પર કડક કોવિડ નિયમ લાગુ કરવામાં અવશે. આ નિયમોનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.