દેશમાં કુલ કેસનો આંકડો ૫૬.૪૬ લાખને પાર, ૯૦૦૦૦ હજારથી વધુના મોત

  • છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૩,૫૨૭ પોઝિટિવ કેસ નોંધાયા: ૧૦૮૫ના મોત

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહૃાું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવારના રોજ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૩,૫૨૭ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૫૬,૪૬,૦૧૦ સુધી પહોંચી ગઈ છે.

દેશમાં સતત છેલ્લા પાંચ દિવસથી કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહૃાા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૯,૭૪૬ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૪૫૮૭૬૧૩ સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે બુધવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૯૭૫૮૬૧ સુધી પહોંચ્યો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૧૦૮૫ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્ર્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૯૦૦૨૦ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ ૮૦.૮૫ ટકા સુધી પહોંચ્યો છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૩૧૫૬૬૩૫૮ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૯૬૯૮૧૧ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૨૧૭૧૪૧૭૭ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૮૮૮૨૩૭૦ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.