દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૯,૯૨૧ નવા કેસ, ૮૧૯ મોત

ભારતમાં કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મંગળવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૬૯,૯૨૧ કેસ નોેંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા ૩૬,૯૧,૧૬૬ ઉપર પહોંચી ગઇ હતી. ૨૪ કલાકમાં કોરોના સામેના જંગમાં વધુ ૮૧૯ દર્દીએ જીવ ગુમાવતા અત્યાર સુધીનો કુલ મૃતાંક ૬૫,૨૮૮ થયો હતો. આમ દેશમાં કોરોના મહામારીનો મૃત્યુદર ૧.૭૭ ટકા રહ્યો હતો. જોકે કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધીમાં ૨૮,૩૯,૮૮૨ દર્દી સાજા થઇ જતાં રિકવરી રેટ ૭૬.૯૪ ટકા પર પહોંચ્યો છે. રિકવરી રેટ વધતાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. મંગળવારે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૭,૮૫,૯૯૬ રહી હતી જે દેશમાં નોંધાયેલા કુલ કેસના ૨૧.૨૯ ટકા થવા જાય છે. આઇસીએમઆરના જણાવ્યા અનુસાર સોમવારે દેશમાં કુલ ૧૦,૧૬,૯૨૦ સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં જેમાંથી ૬૯,૯૨૧ સેમ્પલ પોઝિટિવ આવતાં પોઝિટિવિટી રેટ ઘટીને ૬.૯ ટકા પર આવી ગયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪,૩૩,૨૪,૮૩૪ સેમ્પલ ટેસ્ટ થઇ ચૂક્યાં છે. છેલ્લા બે સપ્તાહમાં ભારતમાં ૧ કરોડ ૨૦ લાખથી વધુ સેમ્પલ ટેસ્ટ થઇ ચૂક્યાં છે.

અનલોક ૪.૦માં વધુ ૧૦૦ સ્પેશિયલ  ટ્રેન શરૂ કરવા સરકારની કવાયત

અનલોક ૪.૦માં ભારતીય રેલવેએ રાજ્ય સરકારોની સહમતી અને કેન્દ્રીય ગૃહમંત્રાલયની પરવાનગી બાદ વધુ ૧૦૦ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની યોજના તૈયાર કરી છે. નવી સ્પેશિયલ ટ્રેનો તબક્કાવાર રીતે શરૂ કરાશે. કેટલાક રાજ્યો અત્યારે વધુ આંતરરાજ્ય ટ્રેન શરૂ કરવા સહમત નથી. તેથી રેલવે આ રાજ્યોને બાકાત રાખીને ટ્રેનો શરૂ કરવા નવા રૂટ તૈયાર કરી રહી છે. હાલમાં ૨૦૦ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે અને તેમાં ૭૫ ટકા ઓક્યુપન્સી રહે છે. ફાઇનલ પ્લાન માટે રેલવેના અધિકારીઓ સંબંધિત રાજ્ય સરકારો સાથે ચર્ચા કરી રહ્યાં છે.