દેશભરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓ વધતા જાય છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ રીતે રીતે બેંકનાં ખાતાંમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતી ગેંગો ઝડપાય છે. ત્યારે આ ગેંગ લોકોનાં એકાઉન્ટ ભાડેથી રાખી તેમજ અન્ય ખાતાંમાંથી રૂપિયા જમા કરાવી કમિશન આપવાની લાલચ આપતા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના મુખ્ય બે આરોપીની અટકાયત કરી છે તેમજ જૂનાગઢની એક મહિલા સહિત પાંચ મળી કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલ જૂનાગઢ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ આસપાસના જિલ્લામાં બેંક ખાતાં લીધાં અલગ અલગ બેંક ખાતાંમાંથી 50 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરનાર જૂનાગઢની ગેંગને જૂનાગઢ સાયબર ક્રાઈમે ઝડપી પાડી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી તેમજ અલગ અલગ બેંકના ખાતાધારકોને લોભામણી લાલચ આપી ભાડે ખાતાં રાખી આ ગેંગ છેતરપિંડી આચરતી હતી. બેંક ખાતાં મારફત છેતરપિંડી આચરનાર અમદાવાદના બે મુખ્ય આરોપીઓ, જૂનાગઢના પાંચ આરોપીને આ છેતરપિંડી આચરવા કમિશન આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય બહારના અન્ય લોકોની પણ સંડોવણી બહાર આવે એવી શક્યતા સેવાઈ રહી છે.
પકડાયેલી ગેંગ દ્વારા અલગ અલગ બેંકના ખાતાધારકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેવામાં આવતાં હતાં તેમજ ઘણા બેંક ખાતાધારકોનાં ખાતામાં અન્ય જગ્યાએથી રૂપિયા આવવાના છે, એ રૂપિયા પરત મેળવી તેના બદલામાં તેમને કમિશન આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પકડાયેલા બે અમદાવાદના મુખ્ય આરોપીઓ જૂનાગઢના પાંચ આરોપીઓને બેંક એકાઉન્ટની માહિતીના બદલામાં કમિશનના રૂપિયા આપતા હોવાનું પણ સામે આવ્યું છે અને ત્યાર બાદ ખાતામાં આવેલા રૂપિયા આંગડિયા કે હવાલા મારફત ગુજરાત તેમજ અન્ય રાજ્યોના અલગ અલગ શહેરોમાં મોકલતા હતા.
સાયબર ક્રાઇમમાં પકડાયેલા આરોપીઓ
- અભિષેક ઉર્ફે અભી શાંતિલાલ માથુકિયા, અમદાવાદ
- સચિન ઉર્ફે ભૂલો ગોવિંદભાઈ વોરા, અમદાવાદ
- આર્યન ઉર્ફે દાતાર મહેબૂબભાઇ પઠાણ, જૂનાગઢ
- ધર્મેશ હરસુખભાઈ ગોહિલ, જૂનાગઢ
- સતીશ દેવરાજભાઈ કરમટા, જૂનાગઢ
- અબ્દુલ કરી હસનભાઈ જેઠવા, જૂનાગઢ
- આસિફ રહીમભાઈ બેલીમ, જૂનાગઢ
- નયનાબેન ઇન્દ્રવદનભાઈ ટાંક, જૂનાગઢ
જૂનાગઢ આસપાસ સાયબર ક્રાઇમ થતા હોવાની બાતમી જૂનાગઢ રેન્જ આઇ.જી નિલેશ જાજડિયાએ જણાવ્યું હતું કે આજથી લગભગ એકાદ મહિના પહેલાં રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં પીઆઈને માહિતી મળી હતી કે જૂનાગઢ અને આસપાસના જિલ્લાઓમાં સાયબર ફ્રોડ કરતી ગેંગ કાર્યરત થઈ છે, જે ગેંગ અલગ અલગ બેંકના ખાતાધારકોના સંપર્ક કરી આખા ભારતમાં સાયબર ફ્રોડ કરી રહી છે. તેવા લોકો આ ખાતાંમાં નાણાં જમા કરાવતા હોય અને આ ખાતાધારકોને પકડાયેલી ગેંગ કમિશન આપી ફ્રોડનાં નાણાં આ ગેંગ ઉપાડી લેતી હતી. આ ગેંગના અમુક સભ્યો દ્વારા આંગડિયા અને અન્ય હવાલાથી અન્ય રાજ્યનાં શહેરોમાં આ ગેંગને નાણાં મોકલતા હતા.
જે બાતમીના આધારે રેન્જ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે બેંક ખાતાધારકોનાં ખાતાંનો દુુરુપયોગ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા સમગ્ર તપાસ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ કરતાં આ સાયબર ફ્રોડનો મુખ્ય આરોપી મૂળ અમદાવાદનો છે, જેની પૂછપરછ કરતાં અલગ અલગ બેંકના 200થી વધુ ખાતામાં છેતરપિંડી હાજરી હતી. હાલ સાયબર પોલીસ દ્વારા 200માંથી 82 જેટલાં ખાતાંની વિગત મેળવી લેવામાં આવી છે. ત્યારે સાયબર પોલીસે 82 ખાતાંથી 42 બેંક ખાતાંની તપાસ કરતાં એમાંથી ભારતભરમાં જે 50 કરોડથી વધારેની રકમનું સાયબર ફ્રોડ થયાનું સામે આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના મુખ્ય બે આરોપીની અટકાયત કરવામાં આવી છે તેમજ જૂનાગઢની એક મહિલા સહિત પાંચ મળી કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ગેંગને ખાતા આપનાર એકાઉન્ટધારક પોલીસનો સંપર્ક કરે લોકોને ખાસ અપીલ છે કે લોકોએ આવા કોઈપણ ફ્રોડમાં આવવું નહીં અને કોઈપણ વ્યક્તિને કોઈપણ ઈસમ દ્વારા કે કંપની દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકમાં મળતા વળતરથી વધુ વળતરની લાલચ આપવામાં આવતી હોય ત્યારે તેણે તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. ત્યારે હાલ પોલીસે 200 ખાતાંમાંથી 42 ખાતાં જે તપાસ પૂર્ણ કરી છે, જેમાંથી જે લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોય તે લોકોએ વહેલી તકે સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને જો જે લોકોએ પોતાના ખાતા આ ગેંગને આપ્યા હોય, લોકો સંપર્ક નહીં કરે તો તેવા લોકો પણ આ કામમાં સંડોવાયેલા છે એવું બની શકે છે.