- અમદાવાદમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારો નિર્ણાયક ટી ૨૦ મુકાબલો જોવા માટે કરી આમંત્રિત.
નવીદિલ્હી,
ભારતીય અન્ડર-૧૯ મહિલા ટીમે સાઉથ આફ્રિકાના પોચેફસ્ટૂમમાં ઈતિહાસ રચી દીધો છે. ટી-૨૦ વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં ભારતે ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજિત કર્યું છે.આ જીત સાથે જ ભારતીય મહિલા ટીમનું વર્લ્ડકપનો ખિતાબ જીતવાનું સ્વપ્ન પૂર્ણ થઈ ગયું છે.
આ પહેલાં ભારતની સીનિયર કે જુનિયર મહિલા ટીમ ક્યારેય ખિતાબ જીતી શકી નથી. બીજી બાજુ ટીમ ઈન્ડિયાની જીત બાદ બીસીસીઆઈએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ખજાનો ખોલતાં પાંચ કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.બીસીસીઆઈ સચિવ જય શાહે આ અંગેની જાહેરાત કરતાં કહ્યું કે, ભારતમાં મહિલા ક્રિકેટ પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે અને વર્લ્ડકપની જીતે મહિલા ક્રિકેટનું કદ અત્યંત ઉંચું કરી દીધું છે. ઈનામના રૂપમાં આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે પાંચ કરોડ રૂપિયાની જાહેરાત કરતા મને આનંદ થઈ રહ્યો છે.
આ ઉપરાંત તેમણે ૧ ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક ટી-૨૦ મુકાબલો જોવા આવવા માટે પણ ટીમને આમંત્રિત કરી છે.આવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટીમને જીત બદલ શુભકામના પાઠવતાં લખ્યું કે આઈસીસી અન્ડર-૧૯ વિશ્ર્વકપમાં વિશેષ જીત માટે ભારતીય ટીમને શુભકામના. તેમણે શ્રેષ્ઠ ક્રિકેટ રમ્યું છે અને તેની સફળતાથી ભવિષ્યના અનેક ક્રિકેટરોને પ્રેરણા મળશે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુભેચ્છા પાઠવતાં લખ્યું કે, દેશની પુત્રીઓએ આજે વર્લ્ડકપ જીતી લીધો છે જે બદલ સૌને શુભકામના. ટીમની અતૂટ લગન અને આકરી મહેનતથી પ્રાપ્ત આ ઐતિહાસિક ઉપલબ્ધી દેશ-દુનિયાની પ્રતિભાઓ માટે પ્રેરણા છે.
ફાઈનલ મુકાબલાની વાત કરવામાં આવે તો ભારતીય ટીમને જીત માટે ૬૯ રન બનાવવાના હતા જે તેણે ૩૬ બોલ બાકી રાખીને સરળતાથી બનાવી લીધા હતા. ભારત વતી સૌમ્યા તીવારી ૨૪ રન બનાવી અણનમ રહી હતી. જ્યારે ત્રિશાએ પણ ૨૪ રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન શેફાલી વર્માની વાત કરવામાં આવે તો તેણે ૧૫ રનનું યોગદાન આપ્યું હતું.
વર્લ્ડકપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની કેપ્ટન શેફાલી વર્મા પોતાના આંસુઓ રોકી શકી નહોતી. જ્યારે તે પ્રેઝન્ટેશન સેરેમનીમાં આવી તો તેના પહેરા પર મુસ્કાન હતી પરંતુ તે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શકી નહોતી અને રડવા લાગી હતી. આ પછી એક્ધરે શેફાલીને સમય આપ્યો જે મળતાં જ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. શેફાલીનો આ વીડિયો અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યો છે.