દેશના વિવિધ રાજ્યોમાં એનઆઇએના દરોડા, જમ્મુમાંથી રોહિંગ્યાની અટકાયત

જમ્મુ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) એ બુધવારે માનવ તસ્કરીમાં સંડોવાયેલા લોકોને પકડવા માટે દેશવ્યાપી દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એજન્સીએ જમ્મુ શહેરના ભથિંડીમાંથી રોહિંગ્યાની અટકાયત કરી હતી. એનઆઇએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આઠ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે જે માનવ તસ્કરીના મામલાઓ સાથે સંબંધિત છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, હરિયાણા, રાજસ્થાન અને કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને પુડુચેરીમાં સર્ચ કરવામાં આવ્યું હતું. જમ્મુમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન મ્યાનમારના એક રોહિંગ્યા નાગરિકની અટકાયત કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું કે ઝફર આલમને જમ્મુના ભથિંડી વિસ્તારમાં આવેલા તેના અસ્થાયી નિવાસસ્થાનેથી સવારે લગભગ ૨ વાગ્યે અટકાયતમાં લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. આ સર્ચ પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘન અને માનવ તસ્કરી સંબંધિત કેસના સંદર્ભમાં હાથ ધરવામાં આવ્યું છે.