- ૨૦૨૨થી ભારતમાં મંકીપોક્સના ૩૦ કેસ નોંધાયા છે.
સમગ્ર વિશ્ર્વમાં મંકીપોક્સના વધતા જતા કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદો સાથે દેશના તમામ બંદરો, એરપોર્ટ પર એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અધિકારીઓને બહારથી આવતા પ્રવાસીઓમાં મંકીપોક્સના લક્ષણો અંગે સતર્ક રહેવા જણાવ્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હીની ત્રણ મોટી કેન્દ્રીય હોસ્પિટલો – રામ મનોહર લોહિયા, સફદરજંગ અને લેડી હાડગમાં નોડલ કેન્દ્રો બનાવ્યા છે. મંકીપોક્સના દર્દીઓની સારવાર અને સંભાળ માટે આ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે.
કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને તેમના રાજ્યોની હોસ્પિટલોમાં મંકીપોક્સના દર્દીઓ માટે જરૂરી વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે. ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીના મૂલ્યાંકન મુજબ મોટા પાયે મંકીપોક્સ ફેલાવાનું જોખમ ઓછું છે.
બીજી તરફ પડોશી દેશ પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના ૪ કેસ નોંધાયા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો. ૪૭ વર્ષીય વ્યક્તિ તાજેતરમાં સાઉદી અરેબિયાથી પાકિસ્તાન પરત ફર્યો હતો. તેમને ઈસ્લામાબાદના પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ પાકિસ્તાનમાં મંકીપોક્સના ત્રણ કેસ નોંધાયા હતા. તમામ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના રહેવાસી હતા.
મંકીપોક્સ શીતળા જેવો વાયરલ રોગ છે. સામાન્ય રીતે, આ વાયરસના ચેપની ઘણી આડઅસરો નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ બની શકે છે. આના કારણે, ફલૂ જેવા લક્ષણો દેખાય છે અને શરીર પર પરુ ભરેલા ઘા વિક્સે છે. આ વાયરસ ઓર્થોપોક્સ વાયરસ જીનસ પરિવારનો સભ્ય છે, જે શીતળા માટે પણ જવાબદાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ૧૪ ઓગસ્ટના રોજ મંકીપોક્સને વૈશ્ર્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે આ રોગને આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે.
ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર મંકીપોક્સની ઉત્પત્તિ આફ્રિકન દેશ કોંગોથી થઈ છે. આફ્રિકાના દસ દેશો તેનાથી ગંભીર રીતે પ્રભાવિત છે. આ પછી, તે ઝડપથી પડોશી દેશોમાં ફેલાય છે અને તે વિશ્ર્વના અન્ય દેશોમાં પણ ફેલાઈ શકે છે. કોરોનાની જેમ, તે હવાઈ મુસાફરી અને મુસાફરીના અન્ય માયમો દ્વારા વિશ્ર્વના વિવિધ ભાગોમાં ફેલાય છે. ડબ્લ્યુએચઓ પણ ચિંતિત છે કારણ કે મંકીપોક્સના વિભિન્ન પ્રકોપમાં મૃત્યુદરમાં તફાવત છે. ઘણી વખત તે ૧૦% થી વધુ થઈ ગયું છે.
ડબ્લ્યુએચઓ અનુસાર, ૨૦૨૨થી વૈશ્ર્વિક સ્તરે ૧૧૬ દેશોમાં મંકીપોક્સના ૯૯,૧૭૬ કેસ અને ૨૦૮ મૃત્યુ નોંધાયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૧૫,૬૦૦થી વધુ કેસ અને ૫૩૭ મૃત્યુ નોંધાયા છે. ૨૦૨૨થી ભારતમાં મંકીપોક્સના ૩૦ કેસ નોંધાયા છે. છેલ્લો કેસ માર્ચ ૨૦૨૪માં સામે આવ્યો હતો. ભારતમાં મંકીપોક્સના પરીક્ષણ માટે ૩૨ પ્રયોગશાળાઓ છે.