દેશના નાણામંત્રી સીતારામનની પુત્રીના ગુજરાતી યુવક સાથે સાદગીથી લગ્ન

બેંગ્લુરૂ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના દીકરી પરકલા વાંગમયીના ગુરૂવારે એટલે કે ૮ જૂનના રોજ લગ્ન યોજાયા હતા. લગ્ન બેંગ્લુરૂમાં આવેલા ઘરે યોજાયા હતા. લગ્ન સમારંભની તસવીર સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના નાણાં પ્રધાનના દીકરીના લગ્ન બિલકુલ સાદગીથી યોજાયા હતા,કોઈ મોટી રાજકીય હસ્તી કે મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. નજીકના સગા-સંબંધીઓની ઉપસ્થિતિમાં આ લગ્ન સમારંભ યોજાયો હતો. પરકલા વાંગમયીના પતિનું નામ પ્રતીક છે. નાણાં મંત્રીના દીકરીના લગ્ન બ્રાહ્મણ પરંપરાથી અને ઉડુપી અદામારૂ મઠના આશીર્વાદથી પૂરા થયા હતા.

પરકલા વાંગમયી વ્યવસાયીક રીતે મલ્ટીમીડિયા જર્નાલિસ્ટ છે. તેમણે મેસાચ્યુસેટ્સના બસ્ટન સ્થિત નોર્થવેસ્ટર્ન યુનિવસટીથી જર્નાલિઝમમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કર્યો છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીથી અંગ્રેજી સાહિત્યમાં બીએમ અને એમએ કર્યું છે. તેમણે લાઈવ મિંટ, ધ વોઈસ ઓફ ફેશન તથા ધ હિંદુ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે કામ કર્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારામનની પુત્રી પરકલા વાંગમયીના જેમની સાથે લગ્ન થયા તે પ્રતીક દોશી એક ગુજરાતી યુવક છે. પ્રતીક દોશી દેશના વડાપ્રધાન મોદીના મુખ્ય સહયોગી છે. દોશી ગુજરાતના રહેવાસી છે અને વડાપ્રધાન કાર્યાલયમાં સ્પેશિયલ ડયુટી ઓફીસર તરીકે કામ કરે છે. જયારે વડાપ્રધાન મોદી પહેલીવાર વડાપ્રધાન બનેલા ત્યારે પ્રતીક તેમની સાથે ૨૦૧૪માં દિલ્હી ચાલ્યા ગયા હતા. દોશીએ સિંગાપોર મેનેજમેન્ટ સ્કુલમાંથી ગ્રેજયુએશન કર્યું છે. તેમણે પહેલા મોદીના ગુજરાતના મુખ્યમંત્રી કાળમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં રિસર્ચ આસીસ્ટન્ટ તરીકે કાર્ય કર્યું હતું. પ્રતીક દોશીના પત્ની પરકલા વાંગમયી વ્યવસાયે પત્રકાર છે તેમણે અનેક પ્રતિષ્ઠિત મીડીયા સંસ્થાનોમાં કામ કર્યું છે.