ગોવાહાટી,
આરએસએસના વડા મોહન ભાગવતે એવી અપીલ પણ કરી છે કે દેશના દરેક નાગરિકે તમામ પ્રકારના મતભેદોને છોડી દઈને રાષ્ટ્રના હિત માટે અને તેના વિકાસ માટે કામ કરવું જોઈએ અને આપણે રાષ્ટ્ર માટે બધું જ કરી છૂટવા તૈયાર રહેવું જોઈએ.
આસામમાં સંઘ પરિવારની કાર્યર્ક્તા શિબિરને સંબોધન કરતી વખતે મોહન ભાગવતે કહ્યું હતું કે હવે એવો સમય આવી ગયો છે કે દેશના દરેક ગામમાં આરએસએસ ની શાખા હોવી જોઈએ અને તેના દરેક સભ્ય એ દેશની પ્રગતિ માટે પ્રયાસ કરતા રહેવું જોઈએ.
દરેક ગામમાં શાખા હોવી જોઈએ તેનું કારણ એ છે કે સમગ્ર સમાજે પોતાના માટે કામ કરવાનો અવસર આપ્યો છે અને એટલા માટે સ્વયંસેવકોએ આગળ વધીને સમાજનું નેતૃત્વ કરવું જોઈએ. રાષ્ટ્રનો વિકાસ દરેક નાગરિક્તા માટે પ્રાથમિક્તા હોવો જોઈએ અને તેના માટે દરેક પ્રકારના મતભેદો બધા જ નાગરિકોએ દૂર કરી દેવા જોઈએ.
સંઘના સંસ્થાપક ડોક્ટર હેડગેવારને યાદ કરીને મોહન ભાગવતે કહ્યું હતું કે એમણે ૧૯૨૫ માં માનવ સંસાધન વિકસિત કરવાના હેતુથી આર.એસ.એસ ની સ્થાપના કરી હતી અને એટલા માટે જ આપણા વિચારોમાં મતભેદ હોઈ શકે છે પરંતુ દિમાગમાં મતભેદ હોવા જોઈએ નહીં અને દરેક નાગરિકે આ પ્રકારનું વલણ અપનાવવું જોઈએ.
એમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે નબળો સમાજ રાજકીય સ્વતંત્રતાનો આનંદ લઈ શક્તો નથી જોકે એમણે રાજકીય સ્વતંત્રતા સાથે એમનો મતલબ શું છે તેની કોઈ છણાવટ કરી ન હતી અને દેશના દરેક ગામમાં સંઘ પરિવારની શાખા હોવી જોઈએ તેવું સૂચન કર્યું હતું.