નવીદિલ્હી,વર્ષ ૨૦૨૪ના ઉનાળામાં ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે. દેશના ૮ રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. લૂનો ખતરો સતત વધી રહ્યો છે. ૧૭ શહેરોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. બંગાળમાં ૨૨મી એપ્રિલથી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત સહિત ૨૩ રાજ્યોના ૧૨૫ જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. ગત વર્ષે ૩૩ જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ હતી. દુષ્કાળનો સામનો કરતા જિલ્લાઓમાં ૨૭૯ ટકાનો વધારો થયો છે. ગુજરાત, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, હરિયાણા, હિમાચલ અને જમ્મુકાશ્મીરના જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે.
જોકે હીટવેવની આગાહીને લઇને ગુજરાત પણ તૈયાર છે. તંત્રએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યમાં તાપમાનનો પારો ૪૪ ડીગ્રી પહોંચી ગયો છે. આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઊંચો રહેશે એવું હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકનો ભોગ ન બનાય અને જો ગરમીમાં બહાર નીકળીએ તો કઈ બાબતોનું યાન રાખવું એ અંગે પણ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સતત માહિતી અપાઈ રહી છે.