દેશના ૮.૫૦ લાખ બેંક કર્મચારીઓને હોળી પહેલા વેતન વધારાની ભેટ મળશે

નવીદિલ્હી, કેન્દ્ર સરકાર બેંક કર્મચારીઓને વેતન વધારાનો નિર્ણય આચાર સંહિતા લાગુ થાય તેની પહેલા જોવા માગે છે. આ માટે ૧૧ માર્ચના બદલે આઠ માર્ચે હસ્તાક્ષર થશે.આઠમી માર્ચે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામ કરતા ૮.૫૦ લાખ બેંક કર્મચારીઓને મોટી ભેટ મળશે.

એક મહિના પછી યોજાનારી લોક્સભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા બેંક કર્મચારીઓના વેતન વધારા પર મહોર લાગશે. દેશની સરકારી બેંકોના મેનેજમેન્ટની બોડી ઈન્ડિયન બેંક એસોસિએશને તમામ બેંકના યુનિયનને મુંબઈમાં આઠ માર્ચ ૨૦૨૪ના રોજ વેજ રિવિઝન સેટલમેન્ટ પર હસ્તાક્ષર કરવા આમંત્રણ મોકલ્યું છે. આઈબીએ અને બેંક યુનિયનો વચ્ચે કરારની સાથે બેંક કર્મચારીઓને હોળઈ પહેલા વેતન વધારાની ભેટ મળી જશે.

ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોયઝ એસોસિએશનના મહાસચિવે જણાવ્યું કે પહેલા ઈન્ડિયન બેંક એસો. ૧૧ માર્ચે ચેન્નઈમાં પગાર વધારાના ફાઈનલ સેટલમેન્ટ પર હસ્તાક્ષર કરવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ હવે ઈન્ડિયન બેંક એસોસિએશને સેટલમેન્ટ પર સહીની તારીખને બદલીને આઠ માર્ચ ૨૦૨૪ કરવાની સાથે હસ્તાક્ષર કરવાના સ્થાનને પણ બદલી ચેન્નઈથી મુંબઈ કરી દીધું છે. આઠ માર્ચ મુંબઈમાં આઈબીએ અને બેંક યુનિયનોના વચ્ચે દ્વીપક્ષભીય બેઠક થશે. અને આ એજ દિવસે વેતન વધારાના ૧૨મા દ્વીપક્ષીય સેટલમેન્ટ પર હસ્તાક્ષર કરાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ૧૨માં દ્વીપક્ષીય સેટલમેન્ટ હેઠળ ૧૫થી ૨૦ ટકા સુધી બેંક કર્મચારીઓને વેતન વધારાશે.