રાજકોટ,દેશભરમાં આવેલા જુદા જુદા નિગમો આજીવન ફરજ બજાવી નિવૃત્ત થયેલા કર્મચારીઓને ઇપીએસ ૯૫ અંતર્ગત મળતું મામુલી પેન્શન બંધ કરીને પેન્શન મેળવતા ૭૫ લાખ નિવૃત્ત કર્મચારીઓને મીનીમમ પેન્શન રૂ ૭૫૦૦ આપવાની માંગણી સાથે રાજકોટ ડેરી નિવૃત્ત કર્મચારી એસોસીએશન દ્વારા અહીની યુનિવર્સિટી રોડ ઉપર આવેલી પ્રોવિડન્ટ ફંડની કચેરીએ આવેદનપત્ર આપી નિવૃત્ત પેન્શનરોની ન્યાયિક પેન્શની માંગણી સ્વીકારવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભારત સરકાર સમક્ષ ઇપીએસ ૯૫ પેન્શનર્સનો પ્રશ્ર્ન લાંબા સમયથી પડતર હોવાથી નેશનલ એક્ષટેન્શન કમીટીનાં વડપણ હેઠળ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. નિવૃત્ત નેવી ચીફ કમાન્ડર અશોક રાઉતજીનાં નેતૃત્વ હેઠળ ચાલતા આંદોલન સંદર્ભે આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ભારત સરકારે ૧૯૯૫માં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ યોજનામાં ઇપીએસ ૯૫ની સ્કીમ અમલમાં મુકી હતી. જેમાં કર્મચારી અને માલિકનાં પ્રોવિડન્ટ ફંડમાંથી દર મહિને મામુલી રકમ પેન્શનમાં જમા થતી હતી. જેનાં કારણે આજે ઈપીએફ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીને રૂ ૧ હજારથી રૂ ૪ હજાર સુધીનું પેન્શન મળે છે. આજની મોંઘવારીનાં જમાનામાં મામુલી પેન્શનમાં જીવન નિર્વાહ પસાર કરવાનું કામ મુશ્કેલ છે. આ સંજોગોમાં રાજકોટ ડેરી નિવૃત્ત કર્મચારી એસોસીએશનનાં વડપણ હેઠળ મીનીમમ રૂ. ૭૫૦૦નું માસિક પેન્શન ઉપરાંત મોંઘવારી ભથ્થુ, નિવૃત્ત કર્મચારી અને તેમનાં પત્નીને મેડીકલની સુવિધા સહિતનાં પ્રશ્ર્ને દિલ્હીમાં આંદોલન શરૂ કરાયું હતું. જેનો કારણે ગત તા. ૧૩ ડીસેમ્બર ૨૦૨૩માં આ પ્રશ્ર્નનાં ઉકેલની ખાી આપવામાં આવી હતી. પરંતુ આજ સુધી તેનો અમલ થયો નથી.
આ સંજોગોમાં નિવૃત્ત પેન્શનરોને જીવન જીવવું દોહ્યલું બની ગયું હોવાનું જણાવી સમગ્ર દેશનાં નિવૃત્ત કર્મચારીઓનાં પ્રશ્ર્ન નહી ઉકેલાય તો તા. ૩૦ જાન્યુ.થી ઉપવાસ આંદોલન પુન: શરૂ કરવામાં આવશે. તેવી ચીમકી આપવામાં આવી હતી.