નવીદિલ્હી,
ભારતમાં ફૂગ(ફંગલ ઇન્ફેક્શન)ની બીમારી સામાન્ય છે. તાજેતરમાં જ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશના ૫.૭૨ કરોડ લોકો ફેગલ ઇન્ફેક્શનથી પીડિત છે, જે કુલ વસતીના ૪.૪ ટકા છે. ભારતમાં લગભગ ૨૪ મિલિયન મહિલાઓ યોનિમાર્ગના ઇન્ફેક્શનથી પીડિત છે, જ્યારે ૧૭.૩૮ લાખથી વધુ લોકો શ્ર્વસન તંત્રને અસર કરતી ફૂગના ઇન્ફેક્શનથી પીડિત છે.
દિલ્હીની એઇમ્સના એક ડૉક્ટર જણાવે છે કે ભારતમાં એક વર્ષમાં ક્ષય રોગ (ટી બી)થી જેટલા લોકો સંક્રમિત થાય છે તેનાથી અનેક ગણા વધુ લોકો ફંગલ રોગથી પ્રભાવિત થાય છે. ભારતમાં ક્ષય રોગ એક વર્ષમાં ત્રીસ લાખથી ઓછા લોકોને અસર કરે છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)ના જણાવ્યાનુસાર ફંગલ ઇન્ફેક્શન ઘણો ગંભીર રોગ છે. યાન, દેખરેખ, ઉપચાર અને નિદાનના અભાવને કારણે ફૂગના રોગો માનવતા માટે જોખમ ઊભું કરી રહ્યા છે.
છેલ્લા બે વર્ષમાં કોરોના રોગચાળા દરમિયાન મ્યુકોર્માયકોસિસ (જેને “બ્લેક મોલ્ડ” પણ કહેવાય છે) નામનો ફંગલ ચેપનો રોગ લોકોને લાગુ પડ્યો હતો. આ રોગને કારણે વિશ્ર્વમાં ૧૦ લાખથી વધુ લોકોને આંખે અંધાપો આવ્યો હતો.
ફંગલ ઇન્ફેક્શન શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે. ફંગલ ઇન્ફેક્શનની હાલમાં કોઇ ચોક્કસ દવા ઉપલબ્ધ નથી. વિશ્ર્વભરમાં ફૂગના ચેપના કેસો વધી રહ્યા છે. ફંગલ ઇન્ફેક્શનના મોટા ભાગના પ્રકારો સારવાર માટે વધુ પ્રતિરોધક છે. (જેના પર કોઇ સારવાર અસર કરતી નથી), ફંગલ ઇન્ફેક્શન વિશ્ર્વભરમાં જાહેર આરોગ્યની ચિંતા બનીને ઊભરી રહ્યું છે.