દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન લોકસભાની ચૂંટણીમાં ચારેકોર ચૂંટણી પ્રચારની જવાબદારી પોતાને શીરે લીધી છે. દેશના ખૂણે ખૂણે ઉમેદવારોના પ્રચાર માટેની વ્યવસ્થા કરી છે. ત્યારે તેઓ પોતાના વતન અને મુખ્ય કર્મભૂમી એવા ગુજરાતમાં બે દિવસના ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. બે દિવસમાં છ સભાઓ અને બેઠકોના દૌર વચ્ચે ગુજરાત સમાચાર સાથે તેમણે ઉમદા સમય પસાર કર્યો. નરેન્દ્ર મોદી દ્વારા રાજકારણની આંટીઘંટી અને લોક કલ્યાણના સંકલ્પના આગળ વધારતા દેશના લોકસેવક તરીકેની કામગીરીને ન્યાય આપવાના પોતાના મનોબળ અને વલણને ગુજરાત સમાચાર સમક્ષ વ્યક્ત કર્યા હતાં. માત્ર ચૂંટણી જીતવી કે સત્તા મેળવવાના ધ્યેય સાથે નહીં પણ પ્રજાનું કલ્યાણ થાય અને દેશનું વિશ્વક્શાએ નામ થાય તેને ચોવીસે કલાક મનોજગતમાં રાખીને કામ કરવાની વૃત્તિ જ દેશના દરેક નેતા અને સાંસદમાં હોવી જોઈએ તેવું તે અંગત રીતે માને છે અને પોતાના કાર્યો દ્વારા ઉદાહરણ પણ પૂરા પાડે છે. પોલિટિક્સને પ્રોફેશન નહીં પણ દેશના વિકાસનું વિઝન બનાવીને રાજસત્તા પ્રાપ્ત કરવાનું સાચું રિઝન બનાવ્યું છે.
ગુજરાતને વિકાસનું મોડલ સ્ટેટ બનાવીને રાષ્ટ્રીય રાજકારણના શ્રીગણેશ કરનારા પીએમ મોદી હવે આગામી સમયમાં આ મોડલને વૈશ્વિક ધોરણે કેવી રીતે આગળ લઈ જશે જેથી રાજ્ય અને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની શકશે તેવી ગુજરાત સમાચાર અને ગુજરાતની જનતાના મનની વાત વિશે તેમની સાથે ચર્ચા થઈ. ગુજરાતને મોડલ સ્ટેટ વધુ ગુજરાત ગણાવતા પીએમ મોદીએ તેમના સુચક સ્મિત સાથે રાજ્ય સરકારની કામગીરી અને કેન્દ્ર સરકારના વિઝનને બિરદાવવાનો આભાર માન્યો. ખૂબ જ સહજ રીતે તેમણે જણાવ્યું કે, વિકાસ કરવાનું વિચારબીજ મસ્તિસ્કમાં હતું. ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા બાદ આ વિચારબીજનું કામગીરી દ્વારા વાવેતર કરવામાં આવ્યું. એક દાયકાના અથાગ પ્રયાસ બાદ આ વિચારબીજ વિકસીને વટવૃક્ષ થઈ ગયું.
તેમણે આગળ કહ્યું કે, મુખ્યમંત્રી તરીકે રાષ્ટ્રના ગ્રોથનું એન્જિન બનાવવાનું જ વિઝન રાખીને કામ શરૂ કરાયું હતું. દરેક વ્યક્તિનો વિકાસ થાય અને તેનાથી જ ઉપર આગળ વધતા વધતા રાજ્યનો અને રાષ્ટ્રનો વિકાસ થાય તેવું મોડલ અમે અપનાવ્યું હતું. અહીંયા ઉદ્યોગોને તક મળી, વિચારને વેગ મળે, આતુરતાને અવસર મળે અને દરેકને રોજગાર તથા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે રીતે સર્વગ્રાની મોડલ વિકસાવવામાં આવ્યું હતું. અમે સર્વાંગી કલ્યાણ માટે ખેડૂતોથી લઈને ઉદ્યોગ સુધીની વ્યાપક કામગીરી નિભાવી.
દેશમાં એક એવો સમય હતો જ્યારે દેશનો વિકાસદર નીચે જતો હતો. તે સમયે ગુજરાતે વિકાસની હરણફાળ ભરવાની શરૂઆત કરી દીધી હતી. ગુજરાતમાં જ્યારે વિકાસની વાત થતી હતી ત્યારે કેન્દ્રમાં રહેલા વિરોધી પરિબળો દ્વારા ગુજરાતને અન્યાય કરવાનું વધુ પ્રબળ રીતે શરૂ કરાયું હતું. આફતને અવસર બનાવવાની વિચારધારાને વરેલા મોદીએ કટાક્ષ કરતા હોય તેમ જણાવ્યું કે, હું વિરોધના પ્રવાહની સામે તરનારો તરવૈયો છું. મને વિરોધી વાયરામાં જ વિહાર કરવો ગમે છે. ત્યારે અમે ‘દેશ કે વિકાસ કે લિયે ગુજરાત કા વિકાસ’ની વાત કરી હતી. આ જુસ્સાના કારણે જ ‘ઈ ગવર્નન્સ જન ભાગીદારી’ અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ જેવા મામલે ગુજરાત ભવિષ્યની દૂરંદેશીતા ધરાવતું રાજ્ય બન્યું. વિકાસની વાતો માત્ર એસી ચેમ્બર્સમાં અને કાગળો ઉપર થતી નથી. તેના માટે પ્રેક્ટિકલ કામગીરી કરવી પડે છે. તેથી જ અમારા વિઝન અને વિકાસના રિઝનને અમે સોલ્યુશનના માર્ગે આગળ વધાર્યા. વેપાર અને વાણિજ્યના વિકાસ માટે અમે વિશ્વસ્તરના માર્ગો, રાજમાર્ગો, પોર્ટ અને એરપોર્ટનો વિકાસ કર્યો. આંતરરાષ્ટ્રીય સ્તરનું માળખું બનાવ્યું જેથી રાજ્યનું પોતાનું વિદેશી રોકાણ વધે. તેનું જ પરિણામ છે કે, ગુજરાતમાં વિદેશી રોકાણનો અવિરત ધોધ વહેવા લાગ્યો. હવે ગુજરાતને વિશ્વના નવા ઉદ્યોગો માટે ગ્લોબલ હબ બનાવવાની દિશામાં કામગીરી થઈ રહી છે.
વિકાસનો જાણે કે વટહુકમ બહાર પાડતા હોય તેમ તેમણે ખૂબ જ દૃઢતા સાથે કહ્યું કે સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી એરોપ્લેન અને ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનના ક્ષેત્રમાં ગુજરાતનો વૈશ્વિક સ્તરે ડંકો વાગશે. મારું માત્ર એક જ લક્ષ્ય છે કે ગુજરાતને ડબલ એન્જિનનો લાભ આપીને વિકાસ અને વિસ્તારના શિખર ઉપર પહોંચાડવું. વિકાસની વાતો વચ્ચે જ્યારે ગુજરાતના કિનારાઓ અને સરહદો ઉપરથી ડ્રગ્સ અને નશાકારક પદાર્થો મોટી સંખ્યામાં મળી આવવાના સમાચારોનો મુદ્દો આવ્યો તો તેમના ચહેરા ઉપર સખતાઈ આવી ગઈ. પોતાના મક્કમ અવાજમાં તેમણે કહ્યું કે, આ દુર્ઘટનાઓ નથી પણ અમારા દાયકા જૂના પ્રયાસો અને વર્તમાન રણનીતિના પરિણામો છે. આટલી મોટી સંખ્યામાં નશાકારક પદાર્થો પકડાવા તે કોઈ આંતરરાષ્ટ્રીય કાવતરું કે ગુજરાતમાં નશાખોરી વધારવાનું જે પડયંત્ર છે તેને અટકાવવાની કામગીરીનું ફળ છે. કેન્દ્ર સરકારે સીમા સુરક્ષાને મજબુત કરવા અને આવાં વિસ્તારોમાં કાર્યરત ડ્રગ નેટવર્ક પર તવાઇ લાવવા અનેક પગલાં ભર્યાં છે. ગુજરાત સરકાર પત્ર ખૂબ સક્રિયતાપૂર્વક કામગીરી કરી રહી છે. અમે દરિયાકાંઠા અને સરહદો પર વધુ અસરકારક રીતે પેટ્રોલિંગ માટે કોસ્ટ ગાર્ડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ સહિતની વધારાની ટુકડીઓ તહેનાત કરી છે. અમે ડ્રગના શિપમેન્ટ્સને ઓળખી કાઢવા અને તેના અટકાવવા માટે અત્યાધુનિક સર્વેલન્સ તથા ઓળખ માટેની ટેક્નોલોજી પણ અમલમાં મૂકી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભાગીદારી કરીને ડ્રગ્સના આવા નેટવર્કને તોડવા અને આરોપીઓને આકરી સજા કરવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. દેશના યુવાધનને નશાખોરીના ચુંગાલમાં ફસાવા જ ન દેવાય અને તે જવાબદારી દેશના પ્રધાન સેવક તરીકે મારી પણ છે. અમે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાંથી ડ્રગ ટ્રાફિકિંગને સંપૂર્ણપણે નાબૂદ ન કરીએ ત્યાં સુધી અટકીશું નહીં.
ગુજરાત ગત બંને લોકસભામાં ભાજપને તમામ બેઠકોની ભેટ આપી હતી. આ વખતે પણ ગુજરાત ક્લિનસ્વીપની ભેટ આપશે કે કેમ તેનો સંશય દરેક સ્તરે ચર્ચાઈ રહ્યો છે. ભાજપના ચેહરા અને એક દાયકાના સુશાસન તથા ભાજપના વિજયના સારથી તરીકે તમારો આ વખતનો મત શું રહેશે તેવો પણ સાહજિક સવાલ પ્રજાને થઈ તેવો રહ્યો છે. ચાની ચૂસકતી મારતા મારતા તેમણે કહ્યું કે, મને ચા પ્રિય છે. અને ગુજરાતીઓને આ ચાવાળો પ્રિય છે. તેમણે સદાય પ્રેમ અને સ્નેહ મારા માટે અને ભાજપ માટે રાખ્યા જ છે. ગુજરાત અને ભાજપના સ્નેહના સંબંધો દાયકા જૂના છે. સ્નેહના સંબંધમાં ખોટું હું લાગવું. માઠું લાગવું કે નારાજગી થવી સામજિક છે. પોતાના હોય તેનું નું માઠું લાગે અને પોતાના હોય તે મનાવી લે અને માની પણ જાય તે સહજ છે. ગુજરાતમાં વિકાસની જે બુલેટ ગતિ પકડાયેલી છે તે જ પ્રજાના પ્રેમ અને સાથેને વ્યક્ત કરે છે. ગુજરાત માટે ભાજપા સુશાસન માટેની એક નૈસર્ગિક પસંદગી બની છે, તે સંવેદનાના પડઘા સમગ્ર રાષ્ટ્રમાં વિસ્તર્યા છે. સહિયારા પડકારોના માર્ગે પાર્ટી અને ગુજરાતના લોકો વચ્ચે મજબૂત સંબંધ બંધાયા છે, જે તેઓને અવારનવાર ભાજપ તરફ દોરી જાય છે. આવા ઊંડા અને મજબૂત સંબંધો પૂરા પાડીને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અહીંના લોકો અમને ફરી એકવાર 26 બેઠકો પર વિજય સાથે આશીર્વાદ આપશે. દેશના વિકાસ માટે સતત કામ કરતા એવું તે તમારું ડેડિકેશન છે, પેશન છે કે પછી નેસેસિટી છે. તમે પીએમ બન્યા ત્યારથી લોકો તમારા 24*7ની ચર્ચા કરે છે. આપને આહાર અને ઉંઘની ખાસ જરૂર પડે છે, આપને કામગીરીમાંથી જ ચેતના મળી રહી છે. સતત કામ કરવાના સવાલ વિશે પીએમનો પ્રત્યુત્તર પણ રસપ્રદ હતો. તેમણે હસતા હસતા ટકોર કરી કે ચાલો કોઈક તો માધ્યમ છે જે સ્વીકારે છે કે હું કામ છું અને કરી રહ્યો છું.
તેમણે કહ્યું કે, જે દિવસે જનસેવાના ક્ષેત્રમાં પણ મૂક્યો તે દિવસતી 24*7 કામ કરતો આવ્યો છું. રાજકારણમાં છેલ્લાં 24 વર્ષથી છું અને ત્યારથી 24*7 કામ કરી રહ્યો છું. દેશસેવા, જનસેવા, દેશનો વિકાસ અને મારા લોકોનો વિકાસ એ મારી નેસેસિટી છે, મારું પેશન છે અને તેના માટે જ સતત કામ કરવું તે મારું તેના ડેડિકેશન છે. મને એવું લાગે છે કે 140 કરોડ લોકોની સેવા કરવી અને તેઓના આનંદ તથા દુઃખમાં સહભાગી બનવું તે એક દિવ્ય કાર્ય છે. હું લોકો માટે વધુ મહેનત કરું તેનાથી મારામાં વધુને વધુ ઊર્જા અને ઉત્સાહનો સંચાર થાય છે અને હું તેઓના માટે કામ કરતો રહું છું.
આપત્તિને અવસરમાં બદલવાની તમારી ક્ષમતા તમે વિકસાવી કે પછી મહાવરો થતો ગયો અને તમે પોતે વિકસતા ગયા. ભૂકંપ હોય કે કોરોનાકાળ તમે દેશવાસીઓ માટે જુસ્સો અને જીતના બાજીગર બની ગયા છો. આ વાત સાંભળતા જ મોદી સાહેબે પોતાના પ્રશંસાને હસી કાઢી. તેમણે આગવી અદામાં કહ્યું કે, અરે ભાઈ એવું કશું જ નથી. અવસર અને આપત્તિ બંને સાથે ચાલનારી બાબતો છે. અવસરને પ્રાપ્ત કરતા ન આવડે તો આપત્તિ આવે અને આપત્તિને હરાવતા આવડે તો તે અવસર બની જાય. હું લોકસેવામાં આવ્યો ત્યારે 2001માં જ કચ્છમાં ભયાનક અને વિનાશક ભૂકંપ આવ્યો. તેમાંથી કચ્છને બેઠું કરવું તે મોટો પડકાર હતો. આ પડકાર પ્રજા અને સરકારના સહિયારા પ્રયાસથી જ પાર પડયો. તે વખતે વિલાપ કરવો અથવા તો વિકાસ કરવો તેવા બે જ વિકલ્પ હતા. અમે વિલાપ છોડીને વિકાસને મહત્ત્વ આપ્યું. ગુજરાતની ખમીરવંતી પ્રજાએ અમારા વિકાસના ધ્યેયને સિદ્ધ કરવા અમને ટેકો કર્યો અને કચ્છ પાછું ધબકતું થઈ ગયું. પ્રજાના સાથે અને વિશ્વાસ ઉપરાંત ભધાની સહિયારી મહેનતથી આફત અવસરમાં પલટાઈ અને વિકાસ થયો. તેના બોધપાઠથી ભવિષ્યમાં ભૂકંપ આવે ત્યારે જાનહાની ઓછી થાય, નુકસાન ઓછું થાય તેવા મકાનોના નિર્માણની ટેક્નોલોજી લાગુ કરવાની પ્રેરણા અને દિશા મળ્યા. અમે હોનારતો સામે ટકી રહે તેવી માળખાગત સવલતોમાં રોકાણ કર્યું અને ભવિષ્યના ભુકંપો તથા અન્ય કુદરતી હોનારતોની અસરો ખાળવા માટે અગાઉથી વોર્નિંગ આપે તેવી સિસ્ટમ્સનો અમલ કર્યો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની નીતિ લાગુ કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું હતું.
તે જ પ્રમાણે, કોવિડ-19 મહામારી દરમિયાન ભારતે અભૂતપૂર્વ પડકારોનો સામનો કર્યો હતો. અમે આ વખતે પણ લોકોને એવું કહી શક્તા હતા કે આખું વિશ્વ યાતના સહન કરી રહ્યું છે અને કોઈપણ દેશ પાસે પર્યાપ્ત માત્રામાં માત્રામા વેક્સિન અથવા દવાઓ નથી અને અનેક રાષ્ટ્રોમાં પાયાની વસ્તુઓ ઉપલબ્ધ નથી. પરંતુ અમે આ પવને ઝડપી લેવા અને સ્વનિર્ભરતા તરફના અમારા પ્રયાસોને વધુ વેગ આપવાનો નિર્ણય કર્યો. અમે પીપીઈ કિટથી લઈને દવાઓથી લઈને વેક્સિન (રસી)થી વેન્ટિલેટર્સ સહિતની દરેક વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું. માનસિક્તાના આ બદલાવના પરિણામ સ્વરૂપે આજે ભારતીય અર્થવ્યવસ્થા દરેક ક્ષેત્રોમાં વ્યાપકપણે આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ કરી રહી છે. દેશની આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં લાવી દેવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે. આ લક્ષ્ય ખરેખર પ્રાપ્ત થાય તેવું કે સાધી શકાય તેવું છે. તેના માટે આગામી પાંચ વર્ષની યોજના કેવી રહેશે.
વિકસિત રાષ્ટ્રોની હરોળમાં જવા વિશે પીએમએ કહ્યું કે, લક્ષ્ય નક્કી કર્યા બાદ ક્યારેય તેનાથી વિમુખ થતા જ નથી. દેશના લાખો લોકોને મળીને, તેમની સાથે ચર્ચા કરીને, બુદ્ધિજીવીઓના મત લઈને વિકસિત ભારત 2047નો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી ૨૫ વર્ષનું વિઝન ભારતને વૈશ્વિક સ્તરે વિસ્તરતું કરી દેવું છે. તેના માટે પાંચ વર્ષ નહીં પણ અમે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. પહેલાં 100 દિવસની કામગીરીનો રોડમેપ તૈયાર છે. ત્યારબાદ અન્ય સમયગાળાનું પ્લાનિંગ કરાશે. આ રીતે પાંચ વર્ષ સુધી કામગીરી કરીને દેશના અર્થતંત્રને વિકાસની બુલેટ ટ્રેનની સવારી કરાવાશે. છેલ્લાં દસ વર્ષમાં તમે અનુભવ્યું હશે કે અમે માત્ર જાહેરાતો નથી કરી પણ તેને પૂરી પણ કરી છે. અમારા વચનો હોય છે તે વાયદા નહી પણ ગેરન્ટી હોય છે. અમારું સંકલ્પ પત્ર જ દેશના વિકાસનો રોડ મેપ છે. તેના આધારે જ આગામી પાંચ વર્ષ કામ કરીને દેશને વધુ આગળ લઈ જવામાં આવશે. ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં હરણફાળ ભરી જ રહ્યો છે. ફિલ્મી સ્ટારની જેમ આગવી રીતે તેમણે કહ્યું કે, છેલ્લાં દસ વર્ષની કામગીરી થઈ તે તો માત્ર ટ્રેલર હતું. ફિલ્મ તો હવે શરૂ થશે અને આ મોદીનો ગેરન્ટી છે. કોંગ્રેસના વારસાઈ વેરાની વાત થઈ તો પીએમ ખડખડાટ હસી પડ્યા.
તેમણે કહ્યું કે, શુદ્ધ વર્ષથી દેશના લોકોને લૂંટીને ચોક્કસ લોકોને લાભ આપનારી પાર્ટી હવે 72 ટકા વેરો લઈ આવી છે. કોંગ્રેસ પાસે કોઈ દિશા નથી અને તેની દશા પણ ખરાબ છે. તે હાંસિયામાં પડેલાઈ ગયેલી પાર્ટી છે. કાંગ્રેસના યુવરાજ દરેક રાજ્યમાં જઈને કહેતા ફરે છે કે તે લોકોની તમામ મિલકતનો એક્સ રે કાઢશે અને તે એનું પુનઃ વિતરણ કરશે. આ સંજોગોમાં પરિવારના અંગત સલાહકાર રહેલા (સામ પિત્રોડા) હવે વારસાઈ વેરાની વકીલાત કરે છે. એક બાબતે સ્પષ્ટ થઈએ કે કોંગ્રેસ જે વિચાર રજૂ કરે છે, તે ફક્ત સમાજમાં વ્યાપક સમસ્યાઓ પેદા કરશે. એક ગરીબ ખેડૂત શું કામ એની અડધી જમીન આપી દે? શા માટે એક મધ્યમ વર્ગ પરિવાર તેની જિંદગીભરની અડધી કમાણી આપી દે? આવી નીતિઓ ભારતે કરેલા સમગ્ર વિકાસનો નાશ નોતરશે.