- રશિયા-યુક્રેનનું યુદ્ધ રોકવામાં વ્યસ્ત હોવાથી મોરબીના ગફલતબાજોને પકડી ના શક્યા’
ગીરસોમનાથ,
ગુજરાત ચુંટણીના પ્રથમ ચરણના મતદાનના પ્રચારના અંતિમ દિવસે સોમનાથ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાના સમર્થનમાં રાષ્ટ્રીય સ્તર ઉપર વિવાદોના ઘેરામાં રહેતા કોંગી નેતા કનૈયા કુમાર, હિન્દી ફિલ્મ અભિનેતા રાહુલ દેવ તથા સાહિત્યકાર હકુભાએ સભા ગજવી હતી. આ તકે કનૈયા કુમારે ભાજપ પર મોરબીની ઘટનાને લઈને આકાર પ્રહારો કર્યા હતા કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેનનો યુદ્ધ રોકવામાં વ્યસ્ત હોવાથી મોરબીના ગફલતબાજોને પકડી શક્યા ના હતા. ત્યારે કોઈપણ સમસ્યાનું નિરાકરણ તેના ઉદભવ સ્થાનમાં જ હોય છે એ રીતે જો ભાજપને સમગ્ર દેશમાંથી દુર કરવું હશે તો ગુજરાતમાં ભાજપને હરાવવું જરૂરી છે. જ્યારે આપના સ્થાનીક ઉમેદવાર પર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગંભીર આક્ષેપો કર્યા હતા.
વેરાવળના ટાવર ચોકમાં મોડી સાંજે યોજાયેલી સભાને સંબોધતા કનૈયા કુમારે આકરા પ્રહારો કરતા કહ્યું કે, દેશમાં કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવવા માટે સક્ષમ છે. આમ આદમી પાર્ટી જે શૂન્યમાંથી શરૂઆત કરી રહી છે તે ભાજપને હરાવી નહીં શકે. ગુજરાતની ચૂંટણી ખૂબ રસપ્રદ થઈ છે. અહીં ભાજપ એટલા માટે લડી રહી છે કે તે આંતરરાષ્ટ્રીય પાર્ટી બનવા માંગે છે અને આમ આદમી પાર્ટી એટલા માટે લડી રહી છે કે તે રાષ્ટ્રીય પાર્ટી બનવા માંગે છે. આજે યુવાનો ડરી રહ્યા છે કે પોતે એન્જિનિયરિંગ એમબીએ કર્યા પછી પણ બેરોજગાર છે. બેરોજગારી મુદ્દે રમુજી અંદાજમાં કટાક્ષ કરતાં કહ્યું કે, શિક્ષીત બેરોજગાર જ્યારે વોટસએપ પર આઇ એલ યુનો મેસેજ મોકલે ત્યારે સામેથી પુછે છે લગ્ન ક્યારે કરીશ?, જ્યારે નોકરી મળશે, નોકરી ક્યારે મળશે? ખબર નહીં બાબુ…
મોરબીની પુલ તૂટયાની ગોઝારી દુર્ઘટનાને ટાંકીને કટાક્ષભર્યા પ્રહાર કરતા કનૈયા કુમારે જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેન અને રશિયાનું યુદ્ધ શાંત કરાવવામાં વ્યસ્ત હશે. જેથી મોરબીમાં પુલ તુટ્યોએ કેસમાં ગુનેગારોને હજુ સુધી પકડી શક્યા નથી. જ્યારે જય શાહ વિશે ટિપ્પણી કરતા સમયે રાજકીય વિવેક ચૂક્યા હોય તેમ તેમણે કહ્યું હતું કે, મોટાભાઈના દીકરાએ ૫૦ લાખની કંપનીને ૩૦૦ કરોડની બનાવી દીધી. આમાં તેની કોઈ સ્કીલ નથી તેનો બાપ મંત્રી છે એટલે તેની પાસે રૂ.૩૦૦ કરોડ છે. વધુમાં કનૈયા કુમારે ગુજરાતના લોકોને કહ્યું હતું કે, તમે ગુજરાત બદલશો તો દેશ બદલાશે. કોઈપણ સમસ્યાનું નિરાકરણ તેના ઉદભવ સ્થાનમાં જ હોય છે. એ રીતે જો ભાજપને સમગ્ર દેશમાંથી દુર કરવું હોય તો ગુજરાતમાં ભાજપને હરાવવું પડશે તેવી સાંકેતિક ભાષામાં લોકોને સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું તમારી અને અમારી સમસ્યા એક જ છે. જેનું નિરાકરણ આવી રીતે જ લાવી શકાય.
સભાના અંતમાં સ્થાનીય કોંગ્રેસી ઉમેદવાર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આમ આદમી પાર્ટીના સ્થાનિક ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે, આપના ઉમેદવાર દર પાંચ વર્ષે પાર્ટી બદલે છે. કારણ કે તેમને પોતાનો ધંધો ટકાવી રાખવો છે. તેમણે અમિત શાહના આશીર્વાદ લઈને ગત ચુંટણી સમયે મારી સભામાં રમખાણો થાય એ પ્રકારની સ્પીચ આપી હતી. તેમ છતાં પણ જનતા અને સોમનાથ દાદાના આશીર્વાદ થકી હું જંગી લીડ સાથે જીતીને આવ્યો હતો.