દેશમાં શહેરી ભારતીયની સરેરાશ માસિક આવક રૂ. ૨૧,૬૪૭

નવીદિલ્હી, દેશમાં પગારદાર શહેરી ભારતીયની સરેરાશ માસિક આવક રૂ. ૨૧,૬૪૭ છે અને ૨૦૨૨ના બીજા ત્રિમાસિક ગાળાની સરખામણીએ તેમની આવકમાં માત્ર ૭.૫ ટકાનો વધારો થયો છે તેમ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના એક રિપોર્ટમાં જણાવાયું છે. પાછલા વર્ષે બીજા ક્વાર્ટરમાં શહેરના પગારદાર વ્યક્તિની સરેરાશ માસિક આવક રૂ. ૨૦,૦૩૦ નોંધાઈ હતી. દરમિયાન પીરિયોડિક લેબર ફોર્સ સર્વે દર્શાવે છે કે પાછલા વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટે શહેરના શ્રામિક વર્ગના વ્યક્તિઓનું સરેરાશ દૈનિક વેતન રૂ. ૩૮૫ હતું તે વધીને રૂ. ૪૬૪ થઈ ગયું છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં વસતા પગારદાર વ્યક્તિની સરેરાશ માસિક આવક જૂનના અંતે પૂરા થયેલાં ૧૮ મહિનાથી રૂ. ૧૪,૭૦૦ પર યથાવત્ છે તેમ પીએલએફએસ અભ્યાસમાં જણાવાયું હતું. જો કે પગારદારોની સરખામણીએ દૈનિક વેતન કમાતા લોકોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પાછલા વર્ષે બીજા ક્વાર્ટરના અંતે સરેરાશ દૈનિક વેતન રૂ. ૩૦૨ હતું તે ચાલુ વર્ષે પ્રથમ ક્વાર્ટરના અંતે વધીને રૂ. ૩૬૮ હતું.

જો કે શ્રામિકો માટેના દૈનિક વેતનમાં વધારો થયો છે પરંતુ ભારતીય વર્કફોર્સનો ૪૬ ટકા હિસ્સો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે ત્યારે વારંવાર બદલાતી વેધર કંડિશનના કારણે આ વર્ષે આ ઈન્ક્મ જૂથ માટે ચાવીરૂપ જોખણ ઊભું થઈ શકે છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના વિશ્લેષક વિનોદ કાર્કિએ જણાવ્યું હતું કે પગારદાર કર્મચારીઓની આવકમાં વૃદ્ધિના મોરચે ચાવીરૂપ ચિંતા એ છે કે પ્રાઇવેટ સેક્ટરની અંદર શહેરી નોકરીઓ આઈટી અને સ્ટાર્ટ-અપ સેક્ટરમાં વધારે છે જેમાં માંગની સમસ્યાઓ વચ્ચે હાયરિંગ એક્ટિવિટીમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે શહેરી સ્પેસમાં વેજ બિલમાં તેમનું પ્રદાન ૪૨ ટકા જેવું ઊંચું છે.જો કે કર્મચારીઓની સંખ્યાના સંદર્ભમાં જોઈએ તો ઓર્ગેનાઇઝ વર્કફોર્સમાં આઇટી બીપીઓ સેક્ટરનો હિસ્સો ફક્ત ૧૨ ટકા છે અને સમગ્રતયા વર્કફોર્સમાં તો તેમનો હિસ્સો ફક્ત એક ટકો છે.

ટ્રેકર દ્વારા માસિક હાયરિંગના મોરચે ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ચાલું વર્ષે હાયરિંગમાં સાત ટકાનું સ્લોડાઉન જોવાયું છે. આ ઘટાડા માટે કેટલાક પરિબળોને જવાબદાર ગણવામાં આવે છે. તેમાંનું એક મોટું કારણ ભારતીય અર્થતંત્રમાં સ્લોડાઉન છે, જેણે કંપનીઓને હાયરિંગમાં ઘટાડા સહિત ખર્ચમાં કાપ મકવા મજબૂર કરી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દેશમાં સ્કિલ ગેપ પણ નોંધપાત્ર પ્રમાણમાં છે, તેને લીધે ટેલેન્ટેડ કર્મચારીને લોકેટ કરવાનો પડકાર ઊભો થતાં કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ગૂંચવણભરી બની જાય છે.