દેશમાં પહેલીવાર પાણી પર મેટ્રો દોડશે મેટ્રો

નવીદિલ્હી,છેલ્લા ઘણા સમયથી આપણો દેશ દરેક બાબતે પ્રગતિ કરી રહ્યો છે. એકંદરે કહી શકાય છે કે હવે કદાચ જ એવું કોઈ ક્ષેત્ર હશે, જ્યાં ભારતે પ્રગતિ નહીં કરી હોય. અત્યાર સુધી દેશમાં સમાન્ય મેટ્રો ચાલતી દેખાતી હતી, સાથે જ આપણે એલિવેટેડ મેટ્રો ટ્રેન પણ જોઈ લીધી છે. જો કે હવે આપણા દેશને એક એવી સોગાત મળવા જઈ રહી છે, જે લોકોને આશ્ર્ચર્યમાં મુકી રહી છે. આ એક એવી મેટ્રો હશે જે ન તો એલિવેટેડ હશે ન તો રસ્તા પર કે ન અંડરગ્રાઉન્ડ હશે.

હવે દેશમાં વોટર મેટ્રોની શરૂઆત થવા જઈ રહી છે. દેશની પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોચી ખાતે કરશે. ૨૫ એપ્રિલે શરૂ થનાર આ વોટર મેટ્રો ૧૫ રૂટોને કવર કરશે. દેશની પ્રથમ વોટર મેટ્રો ૧૦ ટાપુઓને જોડશે. અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર, આ મેટ્રોની શરૂઆત આઠ ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ સાથે કરવામાં આવશે. અધિકારીઓનું માનવું છે કે તેની શરૂઆત કરવાને કારણે પરિવહનમાં મોટો ફેર આવશે અને મુસાફરીમાં પણ સરળતા રહેશે. હાલના લોકોને જે ભીડનો સામનો પરિવહન દરમ્યાન કરવો પડશે તેમાં પણ ઘટાડો થશે.

આ વોટર મેટ્રો કોચીના બેક વોટરમાં અત્યારની સૌથી સસ્તી યાત્રા પ્રદાન કરશે. સીએમ પિનરાઈ વિજયને કહ્યું કે આ વોટર મેટ્રો રાજ્યમાં વોટર ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મોટી ક્રાંતિ લાવશે.

આ સિવાય સૌથી મહત્વની બાબત એ છે આ વોટર મેટ્રો લોકોને પોસાય તેવા ભાવમાં મુસાફરી કરાવશે. કોચી મેટ્રોના મેનેજિંગ ડિરેક્ટર લોકનાથ બેહરાએ જણાવ્યું હતું કે, આ મેટ્રો ૧૫ રૂટ પર દોડાવવામાં આવશે, જેમાં તે ૭૫ કિમીનું અંતર કાપશે.વોટર મેટ્રોમાં સિંગલ ટ્રિપ ટિકિટ અન્ય વિકલ્પોમાં યાત્રીઓને સાપ્તાહિક, માસિક અને ત્રિમાસિક પાસ પણ મળી શકશે. ઉલ્લેખનીય છે કે વોટર મેટ્રોની સેવા દર ૧૫ મિનિટે ઉપલબ્ધ થશે. મેટ્રોમાં લોકો આરામદાયક અને સંપૂર્ણ સલામત મુસાફરીનો આનંદ માણી શકશે. આ પ્રોજેક્ટના કુલ ખર્ચના વાત કરીએ તો તે રૂ. ૧,૧૩૭ કરોડ છે. જર્મન ફંડિંગ એજન્સી કેએફડબ્લ્યુ અને રાજ્ય સરકારે પ્રોજેક્ટ માટે ફંડ આપ્યું છે.