લઘુમતી સમાજ સહિત અનેક લોકો કેન્દ્ર સરકારના આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે.
લખનૌ,
મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના એક્ઝિક્યુટિવ મેમ્બર અને ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાના ચેરમેન મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ જણાવ્યું હતું કે, સમાન નાગરિક કાયદાનો મુદ્દો માત્ર મુસ્લિમો સાથે સંબંધિત નથી. પરંતુ આપણા દેશમાં જેટલા પણ સમુદાય છે, તે બધાના તેમના વ્યક્તિગત નિયમો છે. કોઈ એક યુનિફોર્મ સિવિલ કોડ આવે તો જેટલા પણ ધામક જૂથો છે, તેમના ધર્મમાં મુશ્કેલીઓ પેદા થશે. વધુમાં આખા દેશમાં કોઈપણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવો વ્યવહારુ દૃષ્ટિએ શક્ય નથી. આ જ કારણથી તમામ પક્ષો યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત તો કરે છે, પરંતુ આ મુદ્દો ચૂંટણી દરમિયાન જ ઊઠાવવામાં આવે છે. કોઈપણ પક્ષ તેનો ડ્રાટ પણ રજૂ કરી શક્યો નથી.
સમાન નાગરિક કાયદાનો અર્થ છે કોઈપણ ધર્મ અથવા જાતિ કેમ ન હોય બધા માટે એક સમાન કાયદો, તેમાં લગ્નથી લઈને છૂટાછેડા, સંપત્તિની વહેંચણી અને બાળકને દત્તક લેવા જેવી બધી બાબતોમાં એક સમાન નિયમ-કાયદા બધા લોકો પર લાગુ પડે છે. હાલમાં ગોવા એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં ૧૯૬૧થી સમાન નાગરિક કાયદો (યુસીસી) લાગુ છે. જોકે, દેશમાં લઘુમતી સમાજ સહિત અનેક લોકો આ કાયદાનો વિરોધ કરે છે. મુસ્લિમ સમાજ લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા જેવી બાબતો માટે ઈસ્લામિક કાયદાને અનુસરવા પર ભાર મૂકી રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ બાળકોને દત્તક લેવા અને સમાન નાગરિક કાયદા મુદ્દે જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં કોઈ વ્યક્તિ બાળકને દત્તક લેવા માગતી હોય તો તેમાં કોઈ વાંધો નથી. બાળકને દત્તક લઈ શકાય છે, પરંતુ તેમાં કેટલાક ઈસ્લામિક નિયમ કાયદા છે, જેનું તેમણે પાલન કરવાનું રહે છે. જ્યાં સુધી સંપત્તિને સવાલ છે તો પિતા દત્તક લીધેલા બાળકને તેની સંપત્તિમાંથી ભેટ સ્વરૂપે સંપત્તિ આપી શકે છે. તેમાં કોઈ પ્રતિબંધ નથી. તેમણે ઉમેર્યું હતું કે, ઈસ્લામિક કાયદા મુજબ દત્તક લીધેલા બાળકના અસલી પિતાનું નામ જ તે આગળ ચલાવી શકશે, પરંતુ દત્તક લેનાર વ્યક્તિ તેના આ બાળકને પોતાની સંપત્તિમાંથી તેનો હિસ્સો ભેટ સ્વરૂપે આપી શકે છે. બાકી તેના પોતાના બાળકો માટે શરીયતમાં કોને કેટલો હિસ્સો મળશે તે નિશ્ચિત છે.