નવીદિલ્હી, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના નવા ૪૧૨ કેસ સામે આવ્યા હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ વધીને ૪,૧૭૦ થઇ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કર્ણાટકમાં કોરોનાના ત્રણ દર્દીના મોત સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૫,૩૩,૩૩૭ થયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોના ના કુલ કેસોની સંખ્યા ૪,૫૦,૦૯,૬૬૦ થઇ છે તો બીજી તરફ કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા પણ વધીને ૪,૪૪,૭૨,૧૫૩ થઇ ગઇ છે જે સાથે નેશનલ રિકવરી રેટ વધીને ૯૮.૮૧ ટકા થયો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર ૧.૧૯ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કુલ ૨૨૦.૬૭ કરોડ ડોઝ અપાઇ ચૂક્યા છે. સોમવાર સુધીમાં દેશમાં કોરોનાના JN.૧ વેરિયન્ટના કુલ ૬૯ કેસ સામે આવ્યા હતા, જેમાં કર્ણાટકમાં ૩૪, ગોવામાં ૧૪, મહારાષ્ટ્રમાં ૯, કેરળમાં ૬, તામિલનાડુમાં ૪ અને તેલંગાણામાં બે કેસ સામેલ છે. દરમિયાન, કેરળ માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી અને એક્ટિવ કેસ ઘટીને ૩,૦૯૬ થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકેય મોત પણ થયું નથી. આ અગાઉ સોમવારે કેરળમાં નવા ૧૨૮ કેસ સામે આવ્યા હતા અને એક દર્દીનું મોત થયું હતું. દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે દિલ્હી સરકારે કોવિડ-પોઝિટિવ સેમ્પલ્સ લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલ અને ઇન્સ્ટિટયૂટ ઓફ લિવર એન્ડ બિલિઅરી સાયન્સીસ ખાતે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યા છે.
મહારાષ્ટ્રના કૃષિપ્રધાન ધનંજય મુંડે કોરોના પોઝિટિવ થયા છે. નાગપુર અધિવેશન પૂરું થયા બાદ તેમની તબિયત બગડવા લાગી હતી. ડૉક્ટર પાસે તપાસ કરાવતાં માલૂમ પડયું કે તેમને ફરી કોરોના થયો છે. ડૉક્ટરે તેમને ચાર દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન થવા સલાહ આપી છે. મુંડેને હાલ કોઇ તકલીફ નથી.