દેશમાં કોરોનાનો કહેર ! એક જ દિવસમાં ફરી ૧૦ હજારથી વધુ કેસ, એક્ટિવ કેસ ૬૭,૮૦૬ પર પહોંચ્યા

નવીદિલ્હી,દેશમાં કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં, કોરોનાના ૧૦૧૧૨ નવા કેસ નોંધાયા છે, જે પછી કુલ સક્રિય કેસની સંખ્યા ૬૭ હજારને વટાવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ સક્રિય કેસ વધીને ૬૭૮૦૬ થઈ ગયા છે.

આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૯૮૩૩ દર્દીઓ સાજા પણ થયા છે. જો કે દેશના કેટલાક મોટા રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક છે. આ પહેલા શનિવારે કોરોનાના ૧૨૧૯૩ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૪૨ લોકોના મોત થયા હતા. તમને જણાવી દઈએ કે, કેરળમાં સ્થિતિ સૌથી ખરાબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જ્યારે કોરોનાનું પહેલું મોજું આવ્યું ત્યારે પણ કોરોનાનો પહેલો કેસ અને પહેલું મોત કેરળમાં જ થયું હતું. આ સિવાય દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે.બીજી તરફ, કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને અગાઉથી સતર્ક રહેવા જણાવ્યું છે. ખાસ કરીને એવા ૮ રાજ્યો પર કડક દેખરેખ રાખવાની સૂચના છે જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ ૮ રાજ્યોમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. કોરોનાના ૧૨૧૯૩ નવા કેસ નોંધાયા, જે પછી સક્રિય કેસોની સંખ્યા વધીને ૬૭૫૫૬ થઈ ગઈ. આ સિવાય ૪૨ લોકોના મોત થયા હતા જેમાં ૧૦ એકલા કેરળના હતા.