સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે આજે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશની સર્વોચ્ચ અદાલત સામેની ટીકાની સુનાવણી કરી. સુનાવણી દરમિયાન, બંધારણીય બેન્ચે હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચ દ્વારા કરવામાં આવેલા અવલોકનોને હટાવી દીધા હતા અને કહ્યું હતું કે તે ’નિંદાપાત્ર અને અયોગ્ય’ છે.
બેન્ચે એમ પણ કહ્યું કે દેશમાં બંધારણ સર્વોચ્ચ છે. ન તો હાઈકોર્ટ કે ન તો સુપ્રીમ કોર્ટ. સુનાવણી દરમિયાન, કેસની સુઓ મોટુ સંજ્ઞાન લેનારી ખંડપીઠે કહ્યું કે તે હાઈકોર્ટના જજની ટિપ્પણીઓથી દુ:ખી છે. ખંડપીઠે કહ્યું કે સર્વોચ્ચ અદાલતના આદેશમાં ઘણી બાબતો અંગે બિનજરૂરી ટિપ્પણીઓ કરવામાં આવી છે.
જો કે,સીજેઆઇ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે આ ટિપ્પણીઓ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ રાજબીર સેહરાવત સામે કાર્યવાહી શરૂ કરવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયિક શિસ્તનો ઉલ્લેખ કરતાં, બેન્ચે કહ્યું કે ભવિષ્યમાં તે અપેક્ષા રાખે છે કે હાઈકોર્ટ કેસો સાથે વ્યવહાર કરતી વખતે વધુ સાવચેત રહેશે.
હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રાજવીર સેહરાવતે સુપ્રીમ કોર્ટના એ મતને ફગાવી દીધો હતો કે તે હાઈકોર્ટ કરતા બંધારણીય રીતે શ્રેષ્ઠ છે. ૧૭ જુલાઈના આદેશમાં, જસ્ટિસ સેહરાવતે હાઈકોર્ટ દ્વારા શરૂ કરાયેલી તિરસ્કારની કાર્યવાહીમાં સ્ટે ઓર્ડર આપવા બદલ સુપ્રીમ કોર્ટની ટીકા કરી હતી અને સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપના અધિકાર પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
હાઈકોર્ટના જજે આદેશમાં લખ્યું હતું કે, જો મનોવૈજ્ઞાનિક સ્તરે જોવામાં આવે તો આ પ્રકારનો આદેશ મુખ્યત્વે બે પરિબળોથી પ્રેરિત છે. પ્રથમ, આવા હુકમના પરિણામની જવાબદારી લેવાનું ટાળવાનું વલણ. બીજું, સર્વોચ્ચ અદાલતને તે વાસ્તવમાં છે તેના કરતાં વધુ સર્વોચ્ચ અને હાઈકોર્ટને બંધારણીય રીતે તેના કરતાં ઓછી સર્વોચ્ચ માનવાની વૃત્તિ.