દેશમાં બહુપક્ષીય વ્યવસ્થા ખતરામાં છે: બેંક ખાતા જપ્ત કરવામાં આવે તો રસ્તા પર ઉતરવાની કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ની જાહેરાત

આ લોકશાહી પર મોટો હુમલો છે. ભાજપે ગેરબંધારણીય નાણાં એકઠા કર્યા છે અને ભાજપ તેનો ચૂંટણીમાં ઉપયોગ કરશે,

કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતા જપ્ત કરવામાં આવતા પાર્ટીના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે દેશમાં બહુપક્ષીય વ્યવસ્થા ખતરામાં છે અને દેશમાં બહુપક્ષીય વ્યવસ્થાને બચાવવા માટે ન્યાયતંત્રે હસ્તક્ષેપ કરવો જોઈએ. ખડગેએ બેંક ખાતાઓ ફ્રીઝ કરવાના વિરોધમાં રસ્તા પર ઉતરવાની પણ જાહેરાત કરી હતી.

મલ્લિકાર્જન ખડગેએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ’સત્તાના નશામાં ધૂત મોદી સરકારે લોક્સભા ચૂંટણી પહેલા તરત જ દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખાતા જપ્ત કરી લીધા છે.’ ખડગેએ લખ્યું કે ’આ લોકશાહી પર મોટો હુમલો છે. ભાજપે ગેરબંધારણીય નાણાં એકઠા કર્યા છે અને ભાજપ તેનો ચૂંટણીમાં ઉપયોગ કરશે, પરંતુ અમે લોકો પાસેથી દાન લઈને જે પૈસા ભેગા કર્યા હતા તે જપ્ત કરવામાં આવ્યા છે!

ખડગેએ કહ્યું કે ’કોંગ્રેસ રસ્તા પર ઉતરશે અને સરકારના આ અત્યાચારનો વિરોધ કરશે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ જ કારણે મેં કહ્યું છે કે દેશમાં ભવિષ્યમાં ચૂંટણી નહીં થાય. અમે ન્યાયતંત્રને અપીલ કરીએ છીએ કે દેશમાં બહુ-પક્ષીય વ્યવસ્થા અને લોકશાહીને બચાવવા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના ખાતા જપ્ત કરવા પર કહ્યું, મોદીજી ચિંતા ન કરો, કોંગ્રેસ સત્તા અને પૈસાનું નામ નથી, પરંતુ તે લોકોની શક્તિ છે. અમે તમારી સરમુખત્યારશાહી સામે ઝૂકીશું નહીં. કોંગ્રેસના દરેક કાર્યકર છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે લડશે અને દેશની લોકશાહીને બચાવશે.

શુક્રવારે કોંગ્રેસના નેતા અજય માકને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે તેમની પાર્ટીના ઘણા બેંક ખાતા જપ્ત કર્યા છે અને ૨૧૦ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. અજય માકને આક્ષેપ કર્યો હતો કે આ કાર્યવાહી ખોટા આધાર પર કરવામાં આવી છે. અજય માકને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીના ખાતા જ જપ્ત કરવામાં આવ્યા નથી પરંતુ દેશમાં લોકશાહી પણ જપ્ત કરવામાં આવી છે. અજય માકને સવાલ ઉઠાવતા કહ્યું કે, ’જ્યારે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીના બેંક એકાઉન્ટ ચૂંટણીની જાહેરાતના બે અઠવાડિયા પહેલા જ જપ્ત કરવામાં આવ્યા છે. શું તમે હજુ પણ વિચારો છો કે દેશમાં લોકશાહી જીવંત છે? શું તમને નથી લાગતું કે દેશ એક-પક્ષીય વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે, જ્યાં એક જ પક્ષ શાસન કરશે?