પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે મંગળવારે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં થયેલા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે તેમની સરકાર દેશમાંથી આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. બલૂચિસ્તાન પ્રાંતમાં રવિવારે રાત્રે બે અલગ-અલગ હુમલામાં સશ હુમલાખોરો દ્વારા ઓછામાં ઓછા ૩૭ લોકો માર્યા ગયા હતા.
બલૂચિસ્તાનમાં હિંસાના એક દિવસ પછી કેબિનેટની બેઠકની અયક્ષતા કરતા શરીફે આતંકવાદી ઘટનાઓની સખત નિંદા કરી હતી જેમાં સુરક્ષા કર્મચારીઓ સહિત નિર્દોષ પાકિસ્તાનીઓ માર્યા ગયા હતા, એમ સરકારી રેડિયો પાકિસ્તાને અહેવાલ આપ્યો હતો. શરીફે કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાનના લોકો અને સશ દળોના જવાનોએ આપેલું બલિદાન વ્યર્થ નહીં જાય. તેમણે કહ્યું, ’સમગ્ર રાષ્ટ્ર આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.’
વડાપ્રધાન શરીફે કહ્યું કે આતંકવાદને ખતમ કરવા માટે સશ દળોને તમામ ઉપલબ્ધ સંસાધનો આપવામાં આવશે. તેમણે કહ્યું કે આતંકવાદને ખતમ કરવાનો સમય આવી ગયો છે. શરીફે કહ્યું કે જે લોકો પાકિસ્તાન અને તેના બંધારણમાં વિશ્ર્વાસ રાખે છે તેમની સાથે વાતચીતના રસ્તા ખુલ્લા છે પરંતુ આતંકવાદી ઘટનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે હવે છુપાયેલ નથી કે પાકિસ્તાનના તહરીક-એ-તાલિબાન આતંકવાદીઓ છે. અફઘાનિસ્તાનમાંથી તેમની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે અને આતંકવાદી હુમલા પાછળ છે.
એક્તા જાળવવા પર ભાર મૂક્તાં વડા પ્રધાન શરીફે કહ્યું હતું કે આવા નાપાક ષડયંત્રોનો હેતુ માત્ર દેશની પ્રગતિ, બલૂચિસ્તાનમાં ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર હેઠળ ચાલી રહેલા પ્રોજેક્ટ અને પાકિસ્તાન અને ચીન વચ્ચેની મજબૂત મિત્રતાને નબળી પાડવાનો છે. દરમિયાન પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ મંગળવારે બલૂચિસ્તાનની મુલાકાત લીધી હતી. તેમણે આતંકવાદ સામે લડવામાં રાજ્ય સરકારના પ્રયાસો સાથે એક્તા વ્યક્ત કરી હતી.તે જ સમયે, પાકિસ્તાન સેનાએ માહિતી આપી હતી કે અશાંત આદિવાસી જિલ્લા ખૈબરમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને તેના બે સંલગ્ન જૂથો વિરુદ્ધ સુરક્ષા દળો દ્વારા ગુપ્ત માહિતીના આધારે એક મોટા ઓપરેશનમાં, એક ટોચના આતંકવાદી કમાન્ડર માર્યો ગયો હતો. જેમાં ૨૫ આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે ૧૧ અન્ય ઘાયલ થયા હતા.
ટીટીપીનો ઉલ્લેખ કરતા, સેનાની મીડિયા વિંગ (ઇન્ટર-સવસ પબ્લિક રિલેશન્સ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઓપરેશન્સ ’સોલિડ ઇન્ટેલિજન્સ’ પર આધારિત હતા અને ’ફિતનાહ અલ ખાવરિજ’ અને તેના સહયોગીઓને મોટો ફટકો આપ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં તેના નેતા અબુઝર ઉર્ફે સદ્દામ સહિત ૨૫ આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે ૧૧ આતંકવાદીઓ ઘાયલ થયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન દરમિયાન ચાર સૈનિકોના પણ મોત થયા છે.