દેશમાં ૩૩ ટકા યુવાનો ભણતા નથી, નોકરી કરતા નથી

નવીદિલ્હી,

માંડ ૨૯ વર્ષની સરેરાશ ઉંમર ધરાવતું ભારત, દુનિયામાં સૌથી ઓછી સરેરાશ ઉંમર ધરાવે છે. જોકે, ચિંતા એ વાતની છે કે દેશના ૧૫થી ૨૯ વર્ષની વયના ૩૨.૯% યુવાનો ના તો ભણે છે, ના તો કોઈ કામધંધો. એટલું જ નહીં, તેઓ કોઈ જ પ્રકારની તાલીમ પણ નથી લઈ રહ્યા.નેશનલ સેમ્પલ સરવે ઓફિસ (એનએસએસઓ)ના આ મહિને જાહેર કરાયેલા રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે.

એનએસએસઓએ તમામ રાજ્યના કુલ ૨.૯ લાખ પરિવાર પર જાન્યુઆરી ૨૦૨૦થી ઓગસ્ટ ૨૦૨૧ વચ્ચે આ સરવે કર્યો હતો.દેશમાં બેકાર યુવાનોમાંથી ૨૦.૩% યુવાનો તો કામ શોધતા પણ નથી. ૬૯.૮% ઘરેલુ કામ કરે છે, જ્યારે ૧.૫% યુવાનો આરોગ્યના કારણે કામ કરવા યોગ્ય જ નથી અને ૨.૩% બસ એમ જ સમય બરબાદ કરી રહ્યા છે.જો કમ્પ્યુટરના જ્ઞાનની વાત કરીએ તો ૧૫થી ૨૯ વર્ષની ઉંમરના ૬૧.૬% યુવાનોને તો કોપી-પેસ્ટ કરતા પણ નથી આવડતું. જો કોઈ એટેચમેન્ટ સાથે ઈ-મેલ મોકલવો હોય તોપણ ૭૩.૩% યુવાનોને તે અશક્ય લાગે છે. ચંડીગઢમાં સૌથી વધુ ૯૮.૩% લોકો કુકિંગ, લાઈટિંગ અને હીટિંગ માટે ક્લિન એનર્જીનો ઉપયોગ કરે છે. દિલ્હી (૮૨.૯%) સાથે બીજા ક્રમે. પંજાબમાં ૫૯%, હરિયાણામાં ૫૫%, ગુજરાતમાં ૪૧%, મ.પ્રદેશ-રાજસ્થાન અને બિહારમાં ૨૨%, ઝારખંડમાં ૧૫%, છત્તીસગઢમાં ૧૪% લોકો કુકિંગ, લાઈટિંગ, હીટિંગમાં ક્લિન એનર્જીનો ઉપયોગ કરે છે.

ક્લિન એનર્જીનો સૌથી ઓછો ઉપયોગ નાગાલેન્ડ (૬.૭%) અને મણિપુર (૮.૩%)માં થાય છે. (ક્લિન એનર્જીમાં એલપીજી, અન્ય કુદરતી ગેસ, ગોબર ગેસ, બાયોગેસ, સોલર કે હવાથી પેદા થતી વીજળી અને સોલર કુકર સામેલ છે. મોટાં રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, બિહાર અને પંજાબના યુવાનો સૌથી ‘ખાલી’, ભણતર, નોકરી અને તાલીમ નહીં કરતા સૌથી વધુ યુવાનો લક્ષદ્વીપ (૫૪%)માં અને સૌથી ઓછા અરુણાચલ (૫%)માં છે. દેશમાં ૧૫થી ૨૯ વર્ષની વયના ૩૪.૯% લોકો અભ્યાસ, તાલીમ નથી લેતા. લદાખમાં ૬૧.૬% સાથે આવા સૌથી વધુ યુવાન છે.