દેશમાં ૨૪ કલાકમાં કોરોના કેસમાં ૧૯ ટકાનો ઘટાડો, નવા કેસ ૭ હજારથી વધુ, ૪૪ના મોત

નવીદિલ્હી,દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭,૫૩૩ નવા કેસ નોંધાયા છે. ગઈકાલની તુલનામાં નવા કેસોમાં ૧૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ૫૩ હજારને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં ૫૩,૮૫૨ કોરોના સંક્રમિત દર્દીઓને કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે.

દેશમાં અત્યાર સુધીમાં ૪.૪૯ કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. સક્રિય કેસ હવે કુલ સંક્રમણના ૦.૧૨ ટકા છે. ગત દિવસે દેશમાં કોરોનાને કારણે ૪૪ લોકોના મોત પણ થયા છે. જો કે આમાં ૧૬ જૂના કેસ છે જેને કેરળએ આગલા દિવસે અપડેટ કર્યા છે. આ સાથે દેશમાં મૃત્યુઆંક વધીને ૫,૩૧,૪૬૮ થઈ ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અગાઉના ડેટા અનુસાર ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં ૯,૩૩૫ નવા કેસ નોંધાયા હતા. બુધવારે આ આંકડો ૯,૬૨૯ હતો. ગઈકાલે ૨૬ મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને ૫,૩૧,૪૨૪ થયો હતો.

મંત્રાલયની વેબસાઈટ પર શેર કરાયેલા ડેટા મુજબ રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ ૯૮.૬૯ ટકા નોંધાયો છે. સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪,૪૩,૪૭,૦૨૪ થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર ૧.૧૮ ટકા પર યથાવત છે. દેશવ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના કુલ ૨૨૦.૬૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

બ્રિટન બાદ હવે ભારતે પણ કોરોના વેક્સીનનું અપડેટેડ વર્ઝન તૈયાર કર્યું છે. તે ફક્ત ઓમિક્રોન અને તેના સબફોર્મ્સથી બનેલું છે જેની એક માત્રા પૂરતી એન્ટિબોડીઝ વિક્સાવી શકે છે. આ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બંને ડોઝ લેનારાઓ માટે હશે. રસીકરણના બે ડોઝ પૂરા થયાના ચાર મહિના પછી આ અપડેટેડ રસીની સાવચેતીભરી માત્રા લઈ શકાય છે.