
નવીદિલ્હી, એનસીઆરબીનાં રિપોર્ટમાં સરકારના દાવાની પોલ ખુલી: વર્ષ ૨૦૨૨ માં મહારાષ્ટ્રમાં ૮૨૧૮ રમખાણોના બનાવો નોંધાયા: બીજા ક્રમે બિહાર,ત્રીજા ક્રમે ઉત્તરપ્રદેશ: ૨૦૨૩ માં મહારાષ્ટ્રમાં રમખાણોનો દોર યથાવતમુંબઈ:મહારાષ્ટ્રની કાયદો વ્યવસ્થા પરિપકવ અને સૌથી એડવાન્સ હોવાના રાજય સરકારનાં દાવાની પોલ એનસીઆરબીનાં તાજેતરનાં રિપોર્ટ ખોલી નાખી છે.
આ કારણે રિપોર્ટમાં મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ રમખાણની ઘટનાવાળા રાજય તરીકે નોંધાયું છે. રિપોર્ટમાં દાવો છે કે મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૨૨ માં કુલ ૮૨૧૮ રમખાણનાં કેસ નોંધાયા હતા. જેમાં ૯૫૫૮ લોકોને અસર થઈ હતી. જયારે ૨૮ કેસ સાંપ્રદાયિક તેમજ ધામક અને ૭૫ કેસ રાજનીતિક હિંસાના નોંધાયા છે.જયારે ૨૫ અન્ય કેસ જાતિ સંબંધીત સંઘર્ષોનાં નોંધાયા છે. રમખાણોનાં મામલે ૪૭૬૬ કેસો સાથે બિહાર બીજા ક્રમે છે. જયારે ૪૪૭૮ કેસો સાથે ઉતરપ્રદેશ દેશભરમાં ત્રીજા સ્થાને છે.
વર્ષ ૨૦૨૩ માં પણ બની મહારાષ્ટ્રમાં હિંસક ઘટનાઓ: ૩૧ માર્ચે છત્રપતિ સંભાજીનગરમાં બે જુથો વચ્ચે મામુલી વિવાદનાં કારણે રમખાણોની ઘટનામાં ૨૦ થી વધુ પોલીસ કર્મી ઘાયલ થયા હતા. પોલીસના અનેક વાહનો સળગાવાયા હતા. ૧૫મેએ આકોલા શહેરમાં મોટા પ્રમાણમાં સાંપ્રદાયિક હિંસા ભડકી હતી.જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતું.જયારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા.સપ્તાહ સુધી ઈન્ટરનેટ સેવાને અસર થઈ હતી.
૮મી જુને કોલ્હાપુર જિલ્લામાં સોશ્યલ મિડિયા પર વિવાદીત પોસ્ટ કરનાર સામે કાર્યવાહીની માંગને લઈને હિન્દુ સમર્થક સંગઠનો દ્વારા અપાયેલા બંધ દરમ્યાન પથ્થરમારો તોડફોડ અને હિંસા થઈ હતી. જેમાં ૩૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ૧૮મી સપ્ટેમ્બરે સતારા જીલ્લામાં સોશ્યલ મિડિયા પર મહાપુરૂષોને લઈને કરવામાં આવેલ વિવાદીત પોસ્ટ બાદ બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થયુ હતું. જયારે ૧૦ લોકો ઘાયલ થયા હતા. કલમ ૧૪૪, ઈન્ટરનેટ પર પ્રતિબંધ અને એસઆરપીએફની તૈનાતી બાદ ૨૩ લોકો પકડાયા હતા.