રશિયા અને યુક્રેન વચ્ચે ગયા વર્ષે ફેબ્રુઆરીથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનથી ભાગીને રશિયા પહોંચેલા યુક્રેનના પૂર્વ સાંસદની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
યુક્રેન દ્વારા દેશદ્રોહી જાહેર કરાયેલા યુક્રેનના પૂર્વ સાંસદ ઇલિયા ક્યવા (Illia Kyva)ની મોસ્કોના દક્ષિણ પશ્ચિમમાં આવેલા ઓડિન્ટસોવો પ્રદેશના એક પાર્કમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ યુક્રેનિયન આર્મીના ગુપ્તચર એકમે ચેતવણી આપી હતી કે ‘યુક્રેનના અન્ય દેશદ્રોહીઓ’નો પણ આવો જ હાલ થશે. યુક્રેનિયન સંસદના પૂર્વ સાંસદ 46 વર્ષીય ઇલિયા ક્યવા (Illia Kyva)નો મૃતદેહ ગઈકાલે મોસ્કો નજીકના એક ગામમાંથી તેના માથામાં ગોળી વાગેલા ઘા સાથે મળી આવ્યો હતો.
યુક્રેનની સેનાના ગુપ્તચર પ્રવક્તા આન્દ્રે યુસોવે જણાવ્યું હતું કે ઇલિયા ક્યવા (Illia Kyva) મોત થઈ ગઈ છે અને તેમણે આગળ ઉમેર્યું હતું કે યુક્રેન અને પુતિનને ટેકો આપનારા અન્ય દેશદ્રોહીઓ સાથે પણ આવું જ થશે. રશિયન અધિકારીઓનું કહેવું છે કે તેઓએ આ હત્યાના કેસની તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદને શોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ ફેબ્રુઆરીમાં મોસ્કોના હુમલા પહેલા જ ઇલિયા ક્યવા (Illia Kyva) યુક્રેનની સંસદના સભ્ય હતા અને યુદ્ધ શરુ થયાના એક મહિના પહેલા તે રશિયા ભાગી ગયા હતા.