દેશદ્રોહી કહેશો તો હું પણ ભાજપમાં સામેલ થઈ જઈશ, કન્હૈયા કુમારે બિહારમાં શરૂ કર્યો પ્રચાર

ભારત વિરોધી નારાઓના પગલે દેશમાં ચર્ચામાં આવેલા જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારે પણ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. કોમ્યુનિસ્ટ પાર્ટી માટે પ્રચાર કરી રહેલા કન્હૈયા કુમારે કહ્યું હતું કે, લોકોએ 2015ની ચૂંટણીમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસના ગઠબંધનને મત આપ્યા હતા, તેના કારણે નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા. જેમણે પાછળથી પલટી મારીને ભાજપ સાથે જોડાણ કર્યુ હતુ.

એવા નેતાને મત આપજો જે પલટી ના મારે

હવેની ચૂંટણીમાં એવા નેતાને મત આપજો જે પલટી ના મારે. લોકો પહેલાં કહેતા હતા કે ઈવીએમ હેક થાય છે પણ ભાજપ તો મુખ્યમંત્રી જ હેક કરી રહી છે. ભાજપમાં જોડાતા પહેલાં જે નેતા ખરાબ હોવાનું કહેવાય છે તે ભાજપમાં જોડાતા જ શુધ્ધ થઈ જાય છે.

ખાલી વાયદા કરનારાઓને મત નહી આપે

જો મને પણ વધારે દેશદ્રોહી-દેશદ્રોહી કહેશો તો હું પણ ભાજપમાં સામેલ થઈ જઈશ. એ પછી મારા પરના તમામ આરોપો ખતમ થઈ જશે. કન્હૈયા કુમારે કહ્યું હતું કે, લોકો સમજી ચુક્યા છે અને ખાલી વાયદા કરનારાઓને મત નહી આપે. જે ખરેખર વિકાસ કરે છે તેમને લોકો મત આપશે.