દેશભરમાં ચર્ચિત કરોડોનું ફુલેકું ફેરવનાર એમ્ટેક ગ્રૂપ સામે કાર્યવાહી, ૫૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત

નાદારી નોંધાવનારા ઓટોમોટિવ ગ્રુપ એમ્ટેક સામે બેન્ક છેતરપિંડીના કેસમાં એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેની કૃષિ અને ઇન્ડસ્ટ્રીયલ જમીનની સાથે રુ. ૫,૦૦૦ કરોડથી વધુની રકમના શેર અને ડિબેન્ચર જપ્ત કરવામાં આવ્યા છે, એમ ઇડીએ શનિવારે જણાવ્યું હતું. ઇડીએ એમ્ટેક ગ્રુપના પ્રમોટર અરવિંદ ધામની જુલાઈમાં ધરપકડ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.

હાલમાં એમ્ટેક કંપની લિક્વિડેશન હેઠળ છે. ઇડીએ કંપની અને તેના પ્રમોટરો સામે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળની વિવિધ જોગવાઈઓ મુજબ કેસ નોંધ્યો છે. સીબીઆઈની એફઆઇઆરમાંથી સુધ લઈને સુપ્રીમ કોર્ટે આ કેસમાં ફેબુ્રઆરીમાં તપાસ કરવાના જારી કરેલા નિર્દેશો મુજબ કેસ નોંધ્યો હતો.

આઇડીબીઆઈ બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રે આરોપી સામે બેન્ક ધિરાણના નાણા ગેરકાયદેસર રીતે બીજે વાળવાના અને તેના લીધે બેન્કને નુક્સાન થવાનો કેસ નોંધ્યો છે.એમટેક ગ્રુપે બેક્ધો સાથે લગભગ રુ. ૨૭,૦૦૦ કરોડની છેતરપિડી કરી હોવાનો અંદાજ છે. ગુ્રપની કંપનીઓ જેવી કે એમ્ટેક ઓટો લિમિટેડ, એઆરજી લિમિટેડ, એસીઆઇએલ લિમિટેડ, મેટાલિસ્ટ ફોજગ લિમિટેડ અને કાસ્ટેક્સ ટેકનોલોજીસ લિમિટેડની સાથે અન્ય કંપનીઓ નાદારીના આરે લઈ જવાઈ છે.

નાદારીના લીધે બેક્ધોએ ૮૦ ટકા જેટલો જંગી હેરકટ વેઠવો પડે તેમ છે, તેના લીધે મુખ્યત્વે જાહેર ક્ષેત્રની બેક્ધોને નુક્સાન થશે, એમ ઇડીએ જણાવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે ગ્રુપ કંપનીઓના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ્સમાં ગેરરીતિ આચરવામાં આવી હતી અને લોન મેળવવા માટે તે ખોટી રીતે વધારીને બતાવવામાં આવ્યા હતા. આ રીતે હિસાબી ચોપડામાં જ બોગસ એસેટ્સ રચવામાં આવી હતી અને રોકાણો બતાવવામાં આવ્યા હતા.

એજન્સીએ જુનમાં તપાસ અભિયાન શરુ કર્યુ હતુ અને તેમા તેણે ૫૦૦થી વધુ શેલ કંપનીઓની જાળ શોધી કાઢી હતી. તેના દ્વારા ઊંચા મૂલ્યના રિયલ એસ્ટેટ અને લક્ઝરી પ્રોપર્ટીઝમાં મોટાપાયા પર રોકાણ કરવામાં આવ્યું હતું. અત્યંત જટિલ મૂડીમાળખા દ્વારા આ રોકાણ કરવામાં આવ્યું હતું. આ શેલ કંપનીઓ એસેટ્સની માલિક હતી, જેનોો છેડો છેલ્લે મુખ્ય પ્રમોટર અરવિંદ ધામને અડતો હતો.