દેશભરમાં બસંત પંચમીનો તહેવાર ભક્તિ અને ઉત્સાહ સાથે મનાવવામાં આવ્યો

  • મોદીએ દેશવાસીઓને બસંત પંચમીની શુભેચ્છા પાઠવી, ૧૪.૭૦ લાખ લોકોએ પ્રયાગરાજમાં ગંગામાં ડૂબકી લગાવી.

નવીદિલ્હી, દેશભરમાં બસંત પંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. આ શુભ અવસર પર પ્રયાગરાજમાં ગંગા સ્નાન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને બસંત પંચમીની શુભેચ્છા પાઠવી છે. દર વર્ષે માઘ માસની પંચમીના રોજ બસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ, જ્ઞાન અને કલામાં વધારો થાય છે. ’ઠ’ પર એક પોસ્ટમાં મોદીએ કહ્યું, દેશભરના મારા પરિવારના સભ્યોને બસંત પંચમી અને સરસ્વતી પૂજાની શુભકામનાઓ.

પ્રયાગરાજના સંગમ શહેરમાં માઘ મેળાના ચોથા સ્નાન ઉત્સવ, બસંત પંચમીના રોજ, લગભગ ૧૪.૭૦ લાખ લોકોએ ’હર હર ગંગે’ ના નારા વચ્ચે સવારે ૮ વાગ્યા સુધી ગંગા અને પવિત્ર સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. માઘ મેળા પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે સવારથી વાદળછાયું આકાશ અને મંગળવારે વરસાદ પછી ઠંડા વાતાવરણ છતાં બુધવારે સવારે ૮ વાગ્યા સુધી લગભગ ૧૪ લાખ ૭૦ હજાર લોકોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું. માઘ મેળા વિસ્તારમાં વહેલી સવારથી લોકો સ્નાન કરવા માટે આવી રહ્યા છે, જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે, સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઘાટની લંબાઈ ૬,૮૦૦ ફૂટથી વધારીને ૮,૦૦૦ ફૂટ કરવામાં આવી છે અને કુલ ૧૨ ઘાટ બનાવવામાં આવ્યા છે અને તમામ ઘાટ પર કપડાં બદલવાની પૂરતી સુવિધા પૂરી પાડવામાં આવી છે. . નાયબ પોલીસ મહાનિરીક્ષક (માગ મેળા) રાજીવ નારાયણ મિશ્રાએ જણાવ્યું હતું કે મેળાના વિસ્તારમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં ૩૦૦ થી વધુ સીસીટીવી કેમેરા અને કેટલાક છૈં આધારિત કેમેરા કાર્યરત છે. તેમણે કહ્યું કે મેળાના વિસ્તારમાં જો કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.

આ ઉપરાંત, એટીએસ (એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ), આરએએફ, એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો, મહિલા પોલીસકર્મીઓ, માઉન્ટેડ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ મેળાના વિસ્તારમાં તૈનાત છે. બસંત પંચમી પર પુણ્ય કમાવવા માટે સ્થાનિક લોકો માઘ મેળા વિસ્તાર અને શહેરમાં વિવિધ સ્થળોએ પુરી શાક, હલવા પુરી વગેરેનું વિતરણ કરી રહ્યા છે. સાથે જ માઘ મેળા વિસ્તારમાં સંતો-મુનિઓની શિબિરોમાં મોટા પાયે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.