અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આજે PM મોદીએ દેશના 508 રેલવે સ્ટેશનના પુન:વિકાસ માટે ઈ-શિલાન્યાસ કર્યો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના ડેરોલ રેલવે સ્ટેશન ખાતે જિલ્લા સાંસદ અને કાલોલ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ગયા વર્ષે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગોધરા રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો હતો, આજે જિલ્લાના ડેરોલ રેલવે સ્ટેશનના ઈ-શિલાન્યાસ થકી નવીનીકરણનું કામ શરૂ કરાશે. જે અંતર્ગત મુસાફરોને ધ્યાને લઈને તમામ આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર રેલવેનું સતત આધુનિકરણ કરીને ભૌતિક સુવિધાઓ સાથે વિકાસને આગળ ધપાવી રહી છે. કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કહ્યું કે, દેશના વડાપ્રધાનની આગેવાની હેઠળ દેશમાં નવભારત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. રેલવેના બ્યુટીફિકેશન થકી દેશની દશા અને દિશા બદલાઈ છે. દેશમાં સ્વચ્છતા અભિયાન થકી લોકોમાં જાગૃતિ આવી છે.
રેલવેના ડિવિઝનલ ફાયનાન્સ મેનેજર નૂપુર ચૌધરી દ્વારા ડેરોલ રેલવે સ્ટેશનના નવીનીકરણ બાબતે માહિતી આપતા જણાવ્યું કે, ₹ 27 કરોડના ખર્ચે ડેરોલ રેલ્વે સ્ટેશનનું આધુનિકરણ કરવામાં આવશે. જેમાં બંને સાઇડથી જોડતો 12 મીટર પહોળો ઓવર બ્રિજ, સ્ટેશનના બીજા ગેટનું નિર્માણ, પાર્કિંગ, વેઇટિંગ રૂમ, વોશરૂમ, નવીન ટિકિટ બારી સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. રેલવે સ્ટેશન ખાતે ઓવર બ્રિજ બનવાથી સ્ટેશનના બંને છેડે આવન જાવન માટેની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
ભારતીય રેલ આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકારના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. આ પ્રસંગે રેલ્વેના મુખ્ય પ્રોજેક્ટ મેનેજર મુકેશ કુમાર, જિલ્લા અગ્રણીઓ સહિત તાલુકાના આગેવાનો સહિત રેલવે કર્મચારીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.