ડોનેટ લાઈફના સ્વયંસેવક અને શ્રી સુરતી મોઢ વણિક સમાજના બ્રેઈનડેડ ગીતેશ ચંદ્રવદન મોદીના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 5 વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
ડોનેટ લાઈફે આજે પોતાનો એક સ્વયંસેવક ગુમાવ્યો છે. આ એ સ્વયંસેવક છે જે જીવતા જીવત ડોનેટ લાઈફના માધ્યમથી સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓ અને તેમના પરિવારના મોઢા ઉપર સ્મિત જોવા માંગતો હતો. પરંતુ આજે તેના મૃત્યુ પછી તેના અંગોના દાન થકી બીજા 5 વ્યક્તિઓને નવું જીવન અને તેમના પરિવારના મોઢા ઉપર સ્મિત આપતો ગયો. અમારો આ સ્વયંસેવક સ્વ.ગીતેશ મોદી ખરા અર્થમાં વોરીઅર્સ છે.
સ્વ.ગીતેશ મોદીને તા. 23 જુનના રોજ રોડ અકસ્માતમાં મગજમાં ગંભીર ઈજા થતા સુરતની વિનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા દિવસની સારવાર બાદ તા.27 જુનના રોજ ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કરતા તેની પત્ની રીંકુએ ગીતેશના અંગદાનનો નિર્ણય લીધો. ગીતેશની બે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું.
જેના દ્વારા 5 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું.ગીતેશની એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પિટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં 3 જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વિનસ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીના 274 કિ.મિ.ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોવીડ 19ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે. ત્યારે ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા એકવીસ દિવસમાં પાંચ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 2 હૃદય, 2 ફેફસાં, 10 કિડની, 5 લિવર અને 8 ચક્ષુઓ સહીત કુલ 27 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 27 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 392 કિડની, 162 લિવર, 8 પેન્ક્રીઆસ, 33 હૃદય, 14 ફેફસાં અને 294 ચક્ષુઓ કુલ 901 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 829 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.