મુંબઇ, દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે (૨૫ મે) મુંબઈમાં એનસીપી ચીફ શરદ પવાર સાથે મુલાકાત કરી. એનસીપીના વરિષ્ઠ નેતાઓ અરવિંદ કેજરીવાલને આવકારવા માટે વાયબી ચવ્હાણની બહાર ઊભા હતા. સ્વાગત માટે અજિત પવાર, છગન ભુજબળ, સુનીલ તટકરે હાજર રહ્યા હતા.
આ બેઠક બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ ૮ વર્ષથી દિલ્હીના અધિકારો માટે લડ્યા છે. અમારી પાસેથી સત્તા છીનવી લેવાના સતત પ્રયાસો થયા. સંસદમાં બિલ પાસ થવા દેવાનું નથી, જો બિન-ભાજપ પક્ષો સાથે આવશે તો વટહુકમ પડી ભાંગશે. આ વટહુકમ સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ લાવવામાં આવ્યો છે. જો બિલ રાજ્યસભામાં પડે તો તેને ૨૦૨૪ની સેમીફાઈનલ ગણો, ભાજપની સરકાર આવવાની નથી.
આ પહેલા બુધવારે કેજરીવાલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સેવાઓના નિયમન અંગે કેન્દ્રના વટહુકમ સામે આમ આદમી પાર્ટીની લડાઈમાં શિવસેનાનું સમર્થન મેળવવા માટે સીએમ કેજરીવાલે ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ મીટિંગ પછી કેજરીવાલે કહ્યું કે ઉદ્ધવે રાજ્યસભામાં બિલ (સેવા નિયંત્રણ પર કેન્દ્રના વટહુકમથી સંબંધિત) વિરુદ્ધ મતદાન કરવાની ખાતરી આપી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ પર કેન્દ્રનો વટહુકમ દર્શાવે છે કે મોદી સરકારને સુપ્રીમ કોર્ટ પર વિશ્ર્વાસ નથી. લોકશાહીમાં સત્તા ચૂંટાયેલી સરકારના હાથમાં હોવી જોઈએ, કારણ કે તે લોકો પ્રત્યે જવાબદાર છે. ભાજપ ન તો લોકશાહીમાં વિશ્ર્વાસ રાખે છે કે ન તો સુપ્રીમ કોર્ટમાં.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર ૧૯ મેના રોજ ભારતીય વહીવટી સેવા અને ડીએએનઆઇસીએસ કેડરના અધિકારીઓના સ્થાનાંતરણ અને તેમની સામે વહીવટી કાર્યવાહી માટે નેશનલ કેપિટલ પબ્લિક સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરવા માટે વટહુકમ લાવી હતી. આના એક સપ્તાહ પહેલા સુપ્રીમ કોર્ટે પોલીસ, સિવિલ સર્વિસ અને જમીન સંબંધિત મામલા સિવાય તમામ બાબતોમાં સેવાઓનું નિયંત્રણ દિલ્હીની ચૂંટાયેલી સરકારને સોંપી દીધું હતું.