દિલ્હી સુપ્રીમ કોર્ટ અરવિંદ કેજરીવાલની અરજી પર ૧૫ એપ્રિલે સુનાવણી કરશે

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજીની સુનાવણી માટે તારીખ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટ કેજરીવાલની અરજી પર ૧૫ એપ્રિલે સુનાવણી કરશે. અરવિંદ કેજરીવાલે ધરપકડ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ધરપકડને ગેરકાયદે ગણાવીને હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટે અરજી ફગાવી દીધા બાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે બુધવારે કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને રાહ જોવાનું કહ્યું હતું. તેઓને આવતા સપ્તાહ સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે મંગળવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ અને કસ્ટડીને કાયદેસર ઠેરવી હતી અને તેમની દલીલોને ફગાવી દેતા તેમની અરજી ફગાવી દીધી હતી.

દિલ્હી હાઈકોર્ટે ન માત્ર કેજરીવાલની અરજી ફગાવી દીધી, પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આપવામાં આવેલા પુરાવા નક્કર છે. કોર્ટે કહ્યું કે કેજરીવાલ સમગ્ર કાવતરામાં સામેલ હતા અને તેમણે લાંચ પણ માંગી હતી.આ પછી બુધવારે સવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે વકીલો સંબંધિત કેજરીવાલની બીજી અરજી પણ ફગાવી દીધી હતી. આ અરજીમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વકીલોને અઠવાડિયામાં ૫ વખત મળવાની માંગ કરી હતી. હાલમાં કેજરીવાલ પોતાના વકીલોને અઠવાડિયામાં માત્ર બે વાર જ મળી શકે છે.