
નવીદિલ્હી, વધતા પ્રદૂષણને જોતા દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ગંભીર વાયુ પ્રદૂષણ વચ્ચે, દિલ્હી સરકારે તમામ શાળાઓમાં ૯ થી ૧૮ નવેમ્બર સુધી શિયાળામાં વેકેશનની જાહેરાત કરી છે. દિલ્હી સરકારે શાળાઓને હવે શિયાળુ વેકેશન જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે શાળાઓમાં ડિસેમ્બર-જાન્યુઆરી માટે નિર્ધારિત શિયાળાની રજા જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દિલ્હી શિક્ષણ વિભાગે આ આદેશ જારી કર્યો છે. પ્રદુષણના સતત વધી રહેલા સ્તરને જોતા આ વખતે શિયાળાનું વેકેશન વહેલું લેવામાં આવી રહ્યું છે. આ પહેલા દિલ્હીમાં પ્રાથમિક શાળાઓને ૧૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, સમગ્ર દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં છે. બુધવારે સવારે એકયુઆઇ આનંદ વિહારમાં ૪૫૨, આરકે પુરમમાં ૪૩૩, ઓખલામાં ૪૨૬, પંજાબી બાગમાં ૪૬૦, શ્રી અરબિંદો માર્ગમાં ૩૮૨, શાદીપુરમાં ૪૧૩ અને આઇટીઓમાં ૪૧૩ નોંધાયો હતો. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આજે તમામ સંબંધિત વિભાગોની બેઠક બોલાવી હતી જેથી પ્રદૂષણ અંગે ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન થાય તેની ખાતરી કરી શકાય. તે જ સમયે, ટેકનિકલ અને ઓપરેશનલ સ્ટાફની એક ટીમ કનોટ પ્લેસ સ્થિત ‘સ્મોગ ટાવર’ પર પહોંચી હતી. વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કનોટ પ્લેસમાં હવે ‘સ્મોગ ટાવર’ કાર્યરત કરવામાં આવ્યું છે. સુપ્રિમ કોર્ટે ગઈકાલે સરકારને સ્મોગ ટાવરનું સમારકામ કરવાનો નિર્દેશ આપ્યો હતો.