દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડી ફરી પાછી ફરી,આકાશ સ્વચ્છ રહેશે, પરંતુ ઠંડીથી રાહત મળશે નહીં

નવીદિલ્હી, દિલ્હી-એનસીઆરમાં હજુ પણ લોકોને ઠંડીથી રાહત મળી નથી. આકાશ સ્વચ્છ હોવા છતાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. દિલ્હી સિવાય પંજાબ-હરિયાણા, યુપી, બિહારમાં પણ લગભગ આવી જ સ્થિતિ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાકમાં દિલ્હીના તાપમાનમાં ૧ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવા જઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરનું તાપમાન ૧૦ ફેબ્રુઆરીએ ૮ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જ્યારે આગામી બે દિવસ સુધી તે ૭ ડિગ્રી સેલ્સિયસ રહેશે. આ બે દિવસ દરમિયાન આછું ધુમ્મસ પણ જોવા મળશે.

આ સાથે જ ઉત્તર પ્રદેશના પશ્ર્ચિમ વિસ્તારમાં પણ હવામાન ઠંડુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાથરસ, મેરઠ, ગૌતમ બુદ્ધ નગરનું તાપમાન ૮ ડિગ્રી સેલ્સિયસ રહેશે. આગામી બે દિવસ સુધી આ વિસ્તારોમાં ધુમ્મસની અસર જોવા મળશે. જ્યારે પૂર્વાંચલમાં દિવસ સ્વચ્છ રહેશે અને હવામાન એકદમ સામાન્ય રહેશે. મળતી માહિતી મુજબ, ગોરખપુર અને પ્રયાગરાજનું તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહારના પટના અને ગયામાં લોકોને ઠંડીથી રાહત મળવાની નથી. અહીં હજુ પણ શીત લહેરની અસર જોવા મળી રહી છે. આગામી બે દિવસ સુધી અહીં આંશિક ધુમ્મસ પણ જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હરિયાણાના કરનાલમાં દેશના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબની સ્થિતિ પણ હરિયાણા જેવી જ છે. અહીં પણ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં હિમ પડવાની સંભાવના છે. જ્યારે ગઈકાલે હિમાચલ પ્રદેશ અને દક્ષિણ હરિયાણાના જુદા જુદા ભાગોમાં કડકડતી ઠંડી પડી હતી.