
દેશમાં ચોમાસાની એન્ટ્રી થયા પછી પણ ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના કેટલાક શહેરોમાં ગરમીનું મોજું યથાવત છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી તાજેતરની આગાહી મુજબ, આગામી ચારથી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં તીવ્ર ગરમીની લહેર જોવા મળી શકે છે. જો કે, આ પછી તેની તીવ્રતા ધીમે ધીમે ઓછી થશે. જ્યારે ૫ થી ૬ જૂન પછી હીટ વેવની અસર ખતમ થઈ જશે.
હવામાન શાસ્ત્રી ઓનું કહેવું છે કે ૫ જૂન પહેલા ચોમાસું પશ્ચિમ બંગાળમાં પ્રવેશી ચૂક્યું છે અને આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે દિલ્હી સહિત ઉત્તર ભારતીય ભાગોમાં થોડા સમય માટે આકરી ગરમીથી થોડી રાહત મળી શકે છે. ઘણા રાજ્યોમાં ૫ જૂનથી હીટ વેવની અસર ઓછી થવા લાગશે. રાજસ્થાનમાં ૪ જૂનથી છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, ભારે પવનની સંભાવના છે. આ સિવાય પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૫ અને ૬ જૂને જોરદાર પવન ફૂંકાઈ શકે છે. તે જ સમયે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું વિસ્તરણ આગામી બે-ત્રણ દિવસમાં કર્ણાટકના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશના કેટલાક ભાગો અને તટીય આંધ્ર પ્રદેશ સુધી પહોંચી શકે છે.
રેમાલ ચક્રવાતને કારણે બંગાળની ખાડીમાં ચોમાસું મજબૂત બન્યું છે, જેના કારણે તે ઉત્તરપૂર્વ ભારતમાં પહોંચી ગયું છે, પરંતુ અરબી સમુદ્રમાં હજુ પણ નબળું છે. તેથી ચોમાસું ઉત્તર-પશ્ચિમ તરફ પહોંચવામાં વિલંબ થઈ શકે છે. હવામાન શાી શાસ્ત્રી ઓના મતે ચોમાસું ફરી સામાન્ય થવામાં હજુ થોડા દિવસો લાગશે. આનાથી દક્ષિણ મહારાષ્ટ્ર અને બાદમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં પણ ચોમાસાના પ્રવેશમાં વિલંબ થઈ શકે છે. એવો અંદાજ છે કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં જૂન મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાત રેમલને કારણે આગામી પાંચ દિવસમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ, તોફાન અને તેજ પવનની શક્યતા છે.
જો કે, આ દિવસોમાં કેટલાક શહેરોમાં તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું હતું. હરિયાણા, પંજાબ અને પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશના સ્થળોએ ૪૫ થી ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મધ્યપ્રદેશ , વિદર્ભ અને છત્તીસગઢમાં એક-બે જગ્યાએ ૪૫-૪૬ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. જ્યારે ઝારખંડના ડાલ્ટેનગંજમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઓડિશામાં કેટલાક સ્થળોએ તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાયું હતું. હવામાન વિભાગે કહ્યું કે આગામી ત્રણથી ચાર દિવસમાં ઝારખંડ અને બિહારમાં વાવાઝોડું અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં પણ જોરદાર પવનો જોવા મળી શકે છે.