દિલ્હી રમખાણો કેસ: ચાર વર્ષથી જેલમાં રહેલા શરજીલ ઈમામને હાઈકોર્ટે જામીન આપ્યા

નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે સોમવારે કાર્યર્ક્તા શરજીલ ઈમામને દિલ્હીના જામિયા વિસ્તાર અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં કથિત રૂપે ભડકાઉ ભાષણ આપવા બદલ તેની સામે નોંધાયેલા રાજદ્રોહ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ કેસમાં વૈધાનિક જામીન મંજૂર કર્યા છે.

જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ મનોજ જૈનની ડિવિઝન બેન્ચે એ હકીક્તને ધ્યાનમાં લઈને આદેશ આપ્યો કે તેઓ તેમની સામેના ગુનાઓ માટે અડધી સજા ભોગવી ચૂક્યા છે. જો કે, ઈમામ જેલમાં જ રહેશે કારણ કે તે ૨૦૨૦ના દિલ્હી રમખાણો સંબંધિત મોટા કાવતરાના કેસમાં પણ આરોપી છે. ભડકાઉ ભાષણ આપવા બદલ ધરપકડ કરાયેલા શરજીલ ઈમામને લગભગ ચાર વર્ષ બાદ જામીન મળ્યા છે. ફેબ્રુઆરીમાં, દિલ્હીની એક કોર્ટે શરજીલ ઇમામને વૈધાનિક જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી શરજીલે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

ઇમામ સામે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલા કેસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જે શરૂઆતમાં રાજદ્રોહના ગુના માટે નોંધવામાં આવ્યો હતો અને બાદમાં યુએપીએની કલમ ૧૩ લાગુ કરવામાં આવી હતી. આ કેસમાં તે ૨૮ જાન્યુઆરી ૨૦૨૦થી કસ્ટડીમાં છે.