દિલ્હી પોલીસે રૂ.૪૦ કરોડના ડ્રગ્સ સાથે ત્રણ આફ્રિકન નાગરિકોની ધરપકડ કરી

નવીદિલ્હી, દિલ્હી પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કારટેલનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ તેમણે રૂપિયા ૪૦ કરોડના ડ્રગ્સ સાથે ત્રણ આફ્રિકન નાગરિકોની ધરપકડ કરી છે. આરોપીઓમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની ઓળખ આફ્રિકન દેશ સિયેરા લિઓનના પોલ જોય અને નાઈજિરિયાના નાગરિકો પીસ આઈબે અને સ્ટિફન તરીકે કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી ૬.૦૪૪ કિલોગ્રામ મેથાક્લુલોન અને ૨.૦૫૮ કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે.

પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની બજારમાં કિંમત રૂપિયા ૪૦ કરોડ આંકવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને ઓક્ટોબર ૬ના રોજ ચોક્કસ માહિતી મળી હતી. બે મહિલાઓ બસમાં દિલ્હીના રંગપુરી વિસ્તારથી અમદાવાદ ડ્રગ્સ લઈને જઈ રહી હોવાની બાતમીને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા રંગપુરીના શિવ મૂર્તિ વિસ્તારમાં ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે તેમની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેઓ આંતરરાષ્ટ્રીય રેકેટનો ભાગ હોવાનું તેમણે કબૂલ્યું હતું. આ સાથે જ તેમણે ડ્રગ્સની ખેપ તેમના સાથી સ્ટિફન પાસેથી ખરીદી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ, પોલીસે સ્ટિફનની ધરપકડ કરી હતી. તેની પાસેથી પણ ડ્રગ્સની જપ્તી કરવામાં આવી હતી.