નવીદિલ્હી, આમ આદમી પાર્ટીએ દિલ્હી પોલીસ પર મનીષ સિસોદિયા સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો, જેમાં સિસોદિયાને પોલીસ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટની અંદર લઈ જવામાં આવી રહ્યા છે.
દરમિયાન મીડિયાકર્મીઓ સિસોદિયાને કેન્દ્રના વટહુકમ અંગે પ્રશ્ર્નો પૂછવાનું શરૂ કરે છે, જેના જવાબમાં સિસોદિયા કહે છે કે વડાપ્રધાનમાં ઘમંડ છે…. આટલું બોલતાંની સાથે જ પોલીસે તેને વધુ જવાબ ન આપવા દીધા અને તેને ખેંચીને લઈ ગયા.
આ વીડિયોના કેપ્શનમાં આપે લખ્યું- ’દિલ્હી પોલીસ અને નરેન્દ્ર મોદીને શરમ આવવી જોઈએ. મનીષ સિસોદિયાજી સાથે દિલ્હી પોલીસની આ રીતે દુર્વ્યવહાર કરવાની હિંમત કેવી રીતે થઈ? મોદીજી, આખો દેશ તમારી તાનાશાહી જોઈ રહ્યો છે. થોડા સમય પછી પાર્ટીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું. જોકે થોડા સમય પછી એકાઉન્ટ ફરી શરૂ થઈ ગયું હતું.
આમ આદમી પાર્ટીએ આ વીડિયો ટ્વીટ કર્યો હતો, ત્યાર બાદ પાર્ટીનું એકાઉન્ટ થોડા સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.મંગળવારે બપોરે થોડા સમય માટે આમ આદમી પાર્ટીના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ આવવાનું બંધ થઈ ગયું હતું.
આમ આદમી પાર્ટીએ મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો વીડિયો શેર કરીને પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે અને તેને મોદી સરકારનો દંભ ગણાવ્યો છે. આ વીડિયોમાં પોલીસ સુકેશને કોર્ટમાં હાજર થવા લઈ જઈ રહી છે. આ દરમિયાન સુકેશ મીડિયાની સામે અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવે છે, પરંતુ પોલીસ તેને રોક્તી નથી. AAPએકહ્યું હતું કે સૌથી મોટા ઠગને કસ્ટડીમાં નિવેદન આપવા માટે મુક્ત હાથ છે, પરંતુ જ્યારે સિસોદિયાએ કસ્ટડીમાં નિવેદન આપ્યું ત્યારે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.