નવીદિલ્હી, દિલ્હી પોલીસે ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા પોતાના એક ટ્રાફિક પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે. આરોપ છે કે ટ્રાફિક પોલીસકર્મીએ એક કોરિયન નાગરિક પાસેથી ૫૦૦૦ રૂપિયા દંડરૂપે લીધા અને તેને કોઈ રસીદ પણ આપી નહીં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જોકે વીડિયો એક મહિના જૂનો છે. વીડિયોમાં નજર આવી રહેલા ટ્રાફિક પોલીસકર્મીની ઓળખ મહેશ ચંદના રૂપમાં થઇ છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસકર્મી વ્યક્તિને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવાના રૂપમાં ૫૦૦૦ રૂપિયા દંડ ભરવાનું કહે છે. જોકે વ્યક્તિ ૫૦૦ રૂપિયા આપવાની કોશિશ કરે છે. જેના પર ટ્રાફિક પોલીસકર્મી તે કોરિયન નાગરિકને ૫૦૦ રૂપિયા નહીં બલ્કે ૫૦૦૦ રૂપિયા આપવાનું સમજાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ તરત ટ્રાફિક પોલીસકર્મીને ૫૦૦૦ રૂપિયા સોંપી દે છે. રૂપિયા આપ્યા પછી બંને હેન્ડશેક પણ કરે છે.
આ ઘટનાને લઈ દિલ્હી પોલીસે એક ટ્વીટ કરી છે. ટ્વીટમાં લખ્યું કે, સોશિયલ મીડિયાની આ પોસ્ટને ધ્યાનમાં લેતા વીડિયોમાં દેખાઈ રહેલા સંબંધિત અધિકારીને તપાસ થવા સુધીમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાથે જ પોલીસે કહ્યું કે ભ્રષ્ટાચાર પ્રત્યે દિલ્હી પોલીસની ઝીરો ટોલરેંસ નીતિ છે.
જોકે, ટ્રાફિક પોલીસકર્મીએ આ મામલામાં પૂછપરછ સમયે પોતાનો બચાવ કર્યો છે. ટ્રાફિક પોલીસકર્મીએ કહ્યું કે તે દંડની રસીદ આપવાનો હતો પણ એવામાં કાર ચાલક ત્યાંથી નીકળી ગયો.કહેવામાં આવી રહ્યું છે કે, આ આખો કિસ્સો ડેશબોર્ડ કેમેરામાં રેકોર્ડ થઇ ગયો હતો. ત્યાર બાદ આ વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા પછી દિલ્હી પોલીસની પણ આના પર નજર પડીય ત્યાર પછી ટ્રાફિક પોલીસે આ જવાન સામે કાર્યવાહી કરી.